Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨૧૪ ]
[ અણગારનાં અજવાળા જૈનશાળા તરફ સેવાતા દુર્લક્ષ પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં અને પ્રોત્સાહિત પણ કરતાં.
તેમના સંસારી બે ભાઈની ચાર પુત્રી અને સંસારી બહેનની ત્રણ દીકરીઓએ દીક્ષા લીધેલી. પૂ. સંતબાલજીનું વતન પણ વાંકાનેર હતું. પૂ.શ્રી અને સંતબાલજી ચિંચણ મળ્યાં. શાસ્ત્રજ્ઞાનની ચર્ચાઓ કરી. સંતબાલજીની વિનમ્રતા એટલી બધી હતી કે દીક્ષાપર્યાયમાં જયેષ્ઠ સાધ્વીજીને વંદણા કરતા.
સમાધિમરણની છેલ્લી રાતની છેલ્લી વાત : પૂ.શ્રીને બી.પી.નું દર્દ ઘણા સમયથી હતું, છતાં તેમના ઉપવાસ, વિહાર વગેરે ચાલુ જ રહેતા. સુરેન્દ્રનગર પૂ. મંજુલાબાઈ મ.સ.ને હળવો એટેક આવતાં પોતે એમની પાસે ગયાં. ત્યાં મંજુલાબાઈ મ.સ.ની તબિયત સુધરતી ગઈ પણ પૂ.શ્રીને દુઃખાવો વધતો ગયો. તે રાત્રે સાત વખત દુઃખાવો થયો. એવી તબિયતમાં પણ ત્યાંથી લખતર દીક્ષામાં આવી ત્યાંથી વઢવાણ બે બહેનોની દીક્ષાનું મંગલ કાર્ય સફળતાથી પતાવી પોતે જોરાવરનગર પધાર્યા. ત્યાં તેમની વર્ષગાંઠ ઊજવી, પણ એક દિવસ તેમની પલ્સ તપાસતાં તે મિસ થતી હતી. ત્યારપછી પુ.શ્રીને સખત દુખાવો ઊપડ્યો. ત્યાંથી તેમને સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં. દર્શનાર્થીઓની લાંબી કતાર લાગતી. કોઈને ના પાડી નિરાશ નહીં કરવાનાં. સ્તવનો ગવાતાં તેમાં પોતે સૂર પુરાવતાં. આનંદઘનજીનાં પદો ગવાતાં તે મસ્તીથી સાંભળી પોતે તેમાં ઊંડા ઊતરી જતાં. દુખાવો ક્યારેક થઈ જતો. છેલ્લે પોતે દેહ-આત્માના ભેદવિજ્ઞાનમાં ઊતરી ગયાં. સર્વેને ખમાવ્યાં. છ મહિનાનું છેદ પ્રાયશ્ચિત્ત લીધું. યાવત્ જીવનનો સંથારો કર્યો.
ખરેખર! ચૈતન્યની જ્યોત જલતી હોય ત્યાં અજ્ઞાનનાં અંધારાં કેવી રીતે ઊભા રહી શકે! “નોસિ ગાળ અહિયાર ” કર્મના ઉદય જોરદાર ભોગવવાના હોય પણ જેને જ્ઞાન હોય તે દુઃખી નથી.
પૂ.શ્રી મુક્તાબાઈ મ.સ.એ આલોચના શરૂ કરી પોતાનો સમય અંતિમ લાગતાં પોતે પાટ ઉપરથી નીચે ઊતરી આસન ઉપર બેસી ગયાં. ત્યાં તો મૃત્યુને મંગલ બનાવી ચૈતન્યદેવ ચાલ્યો ગયો. પૂ.શ્રી લીલાવતીબાઈ મ.સ. સમાધિમય મૃત્યુને પામી ગયાં.