Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૨૦૫ પવિત્ર ભાતું બાંધીને પુનીત પગલીની પાડનાર એ જાણે અધૂરું કાર્ય પૂરું કરવા ન જન્મી હોય તેમ મરકમરક થતાં તેના મલકતાં મુખડાને જોઈ સૌ મલકાતાં, આકર્ષિત થતાં.
વિ. સં. ૧૯૬૯માં પિતા શ્રી ત્રિભુવનદાસજી હીરાચંદજી શાહને ખોરડે અને માતા પૂ.શ્રી ઉત્તમભાઈને ખોળે મોંઘીબહેનનું અવતરણ થયું. વારેવારે હસું હસું થતાં તેના મુખને નિહાળી તેના માતાપિતાને હૈયે હાશ થતી અને તેની ઉપર હૈયાનાં હેત ઠાલવતાં. નાનકડી દીકરી જાણે પોતાની ભદ્ર અને સરળ સ્વભાવની માતાની છાયાનું રૂપ ધારણ કરીને આવી હતી, પણ રે દુર્ભાગ્ય દીકરી માટે માતાનું સુખ ઝાંઝવાનાં જળ સમુ ક્ષણિક નીવડ્યું અને મોંઘીબહેને માતૃસુખ નાની ઉંમરમાં ગુમાવ્યું.
૧૩ વર્ષની ઢીંગલી જેવાં મોંઘીબહેનનું લગ્ન નાગરદાસ નામના યુવક સાથે કરવામાં આવ્યું. “ઘરઘર'ની રમત રમતી તે નાનકડી દીકરીએ નવવધૂ બની પ્રભુતામાં પગલા પાડી. સંસારને હજી જાણ્યો નહીં, માણ્યો નહીં, પૂરો સમજાણો નહીં ત્યાં તો લગ્નજીવનના છ માસ બાદ દૂર દાંતિયાં કરતું વૈધવ્ય મોંઘીબહેનના જીવનનાં દ્વાર ખખડાવી ગયું. પતિની ચેહની સાથે મોંઘીબહેનનાં ઊગતાં અરમાનો, સુષુપ્ત અવસ્થામાં અજાગૃત રહેલાં શમણાંઓ અને સપનાંઓ સાથેનો સંસાર સમૂળગો નાશ થઈને રાખમાં ભળી ગયો.
એક દીપ બુઝાયો, બીજો પ્રગટ્યો : સંસારનો દીપક પતિના જીવનની સાથે ઓલવાયો અને મોંઘીબહેનની જ્ઞાનપિપાસા જાગૃત થતાં તેમણે આધ્યાત્મિક જગતમાં પગ મૂક્યો. પાલિતાણા શ્રાવિકાશ્રમમાંથી છ વર્ષના દીર્ધ અભ્યાસ બાદ અને સત્સંગ દ્વારા એક નવા વ્યક્તિત્વને લઈને બહાર આવ્યાં. અને જ્ઞાનજ્યોતની એક દિવ્ય આભા તેમના મુખ પર મંડિત થઈ.
ત્યાર પછી ભાવનગરમાં પૂ.શ્રી જડાવબાઈ અને પૂ.શ્રી કેસરબાઈનો સદુપદેશ સાંભળતાં રહ્યાં. સંયમના રંગે રંગાતાં ગયાં. મોંઘીબહેનને સંયમની રઢ લાગી અને તેમનો સંયમ લેવાનો નિર્ણય દેઢ થતો ગયો.