Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૨૦૩
આ પ્રેરિત પ્રસંગ પરથી સુશ્રવણ, સુદર્શન અને સત્સંગની મળતી તકોને વધાવી લઈએ અને ન મળે તો આવી તકોને મેળવીને જીવનના ઉચ્ચતમ લક્ષ્યાંકોને સિદ્ધ કરીએ.
સંત બનવાની ઉત્તમ ભાવનાના અંકુર રમણભાઈના અંતરમાં ખીલી ઊઠ્યા. પણ બગીચામાં ફુલછોડની વાવણી પછી તેનાં સંવર્ધન અને રક્ષણની જવાબદારી માળીની છે. તેમ જીવન બાગમાં રોપાયેલા સંયમભાવનાના અંકુરોનું રક્ષણ અને સંવર્ધન કરવાનું કામ ગુરુમાતા અને માતાપિતાનું છે. દીકરીના સંયમના સત્સંગે ચીમનભાઈ પણ ધર્માનુરાગી બન્યા હતા. પોતાની માતાની અંતિમ ભાવનાની પૂર્તિ માટે પૂ.શ્રી પ્રજ્ઞાબાઈએ રમણભાઈના વૈરાગ્યને વેગવંતો બનાવવા પુરુષાર્થ ઉપાડ્યો અને ચીમનભાઈને બોલાવીને તેમની પાસે રમણભાઈના અંતરમાં જાગેલા વૈરાગ્યભાવનાના અંકુરોને ખીલવી વટવૃક્ષ બનાવવાની રજા માંગી અને પોતાને દીક્ષા આપી જે સત્ત્વ દાખવ્યું તે હવે ફરીથી દાખવવા કહ્યું. પૂ.શ્રી ધીરજબાઈ મ.સ. આ નાનકડી શિષ્યાની અનુમોદનાના ભાવોની રજૂઆતથી હરખાતાં હતાં અને મૂક આશિષો વરસાવી રહ્યાં હતાં. ચીમનભાઈનું આ એક મહત્ત્વનું કાર્ય જીવનમાં પૂર્ણ કરવાનું બાકી હતું તેથી પોતે તે દિશામાં મંડાઈ રહેલાં પગલાંથી ખુશ થઈ ઊઠ્યા. પૂ.શ્રીને કહ્યું કે મારા સંતાનો મારા વારસદારો ન રહેતાં વીરશાસનનાં વારસદારો બને તેમાં મારું સૌભાગ્ય છે. મને મારા ભાવિની કોઈ ચિંતા નથી. હું દીક્ષા નથી લઈ શક્યો પણ દીક્ષા દ્વારા રમણનું ભાવિ ઉજ્જવળ બને અને એ સંત બને તેમાં મારી સાત પેઢી તરી જશે. તેમની લાગણીઓથી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. પૂ.શ્રીએ તેમને તેમ કરવા સહર્ષ રજા આપી. ચીમનભાઈની આ ઉદારતા અને અનુમોદનાને વંદવી રહી અને અભિનંદવી રહી. પાસે બેઠેલા રમણભાઈ પણ આ સંવાદ સાંભળીને પૂ.શ્રીના ઉપકારને વંદી રહ્યા. અને વિચારી રહ્યા કે પૂ.શ્રી ભગિની સાધ્વીએ ઓઝમાં પધારી મારાં ભાગ્યનાં દ્વાર ખોલી નાંખ્યાં. ખરેખર સંતો તો પરઉપકાર માટે જન્મ ધરે છે. વૃક્ષોની માફક તાપ-સંતાપ સંતો પોતે સહી આશ્રિતોને છાંયો આપે છે. અને મેઘની માફક જિનવાણીની વર્ષા વરસાવીને તૃપ્ત ધરાને તૃપ્ત કરે છે. તેમ સંતો અનેકના અંતરમાં સદ્ગુણોની હરિયાળી ખીલવે છે.