Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૯૬ ]
[ અણગારનાં અજવાળા જેવાં અનેક ક્ષેત્રોમાં વિહાર કરી પોતાના મૃદુ સ્વભાવ અને મીઠી વાણીની હેલી વરસાવી શ્રાવકોની ધર્મભાવનાને દઢ બનાવી.
તેઓ હંમેશાં જાગૃત અવસ્થામાં પણ મૌન, ધ્યાન અને સમાધિમાં રહેતાં. પોતાનામાં જ રહેતા. તેમનું જીવન મૌન હતું. તેમનો ઉપદેશ પણ મૌનમાં અને મૌન દ્વારા અપાતો. છતાં તેમનાં સત્સંગીઓ તેમની પાસેથી ઘણું પામીને જતાં તેમ લાગતું. તેઓ જાણતાં કે અંતર્મુખ થઈને મૌન દ્વારા આત્માનો પ્રકાશ પામી શકાય છે. મૌનનો મહિમા ઘણો ઉચ્ચ કક્ષાનો હોય છો. કારણ કે સામાન્ય માનવી મોટાભાગે શબ્દોનાં ગુલામ બની જાય છે. તેમની જીભ ઉપર અસંખ્ય નિરર્થક શબ્દો રમતા હોય છે. અને તેના પરિણામનો વિચાર કર્યા વગર આવા નિરર્થક શબ્દો બહાર ફેંકતા હોય છે, જેમાંથી વાદ, વિવાદ, વિખ્વાદ અને વિસંવાદિતા સર્જાતાં વાર લાગતી નથી. જ્યારે શબ્દોનો સ્વામી મૌનમાં જીવે છે એવાં મૌનનાં મહિર્ષ પૂ. શ્રી ઇન્દુબાઈ મૌનમાં રાચતાં, જેથી ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ જેવા પરિપુઓ તેમની પાસે ફરકી શકતા નહીં. તેથી તેમના અંતરમાં ક્યાંય કૂડકપટ ન હતાં. મનમાં ક્યાંય કલેશ ન હતો. આત્મામાં ક્યાંય વિકાર ન હતો. લોકપ્રિયતાનો તેમને મોહ ન હતો. ઝાલાવાડની આ દીકરીમાં આવી આંતરિક સમૃદ્ધિ હતી જે તેમની અંતિમ ઘડી સુધી જળવાઈ.
દીક્ષા બાદ સ્વાધ્યાય માટે થઈને પ્રસન્ન ચિત્તે ઉપવાસ કરતા. સાત આગમ તેમણે કંઠસ્થ કર્યા હતાં. તેમના ઉપદેશમાં ખાસ મંત્ર સૌને આપતા. “પરિસ્થિતિ સંયોગો અને સંજોગોનો હંમેશ સ્વીકાર કરજો”. જે ઉપદેશ તેમણે પોતે આચરી બતાવ્યો તેમના દીક્ષાપર્યાયના ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં તો પણ તેની ઉજવણી નહીં...જાહેરાત નહીં કે પોતાની પ્રચારલક્ષી કોઈ વાત નહીં. ગુરુદર્શનની તેમની લગન કેવી હતી? પોતાની નાજુક તબિયત છતાં સુરેન્દ્રનગરથી અમદાવાદ પૂ. આ. શ્રી વીરેન્દ્ર મુનિ મ. સા., આ. શ્રી શાંતિલાલજી મ. સા. તથા પૂ. શ્રી અપૂર્વમુનિ મ. સા.નાં દર્શને પધાર્યા અને પોતાના આતમની ગુરુ-દર્શનની પ્યાસ છીપાવી, કારણ કદાચ પછી ફરી એ તક નહીં મળે તો તે વિષે પોતે સભાન અને જાગૃત હતાં.