Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ].
[ ૧૦૭ આપી ત્યારે આત્મારામજીએ કહ્યું કે પોતે એ વિદ્યાઓનો ઉપયોગ પોતાના અંગત કાર્ય માટે ક્યારેય નહીં કરે, પરંતુ યોગ્ય સમયે માત્ર ધર્મના હેતુ માટે જ ઉપયોગ કરશે અને ભવિષ્યમાં યોગ્ય પાત્રને જ તે આપશે.
આત્મારામજી મહારાજની મંત્રશક્તિ વિશે એક પ્રસંગ ટાંકવામાં આવે છે. બીકાનેરના ચાતુર્માસ દરમિયાન એક વખત એક યુવાનને એમની પાસે દીક્ષા લેવાની ભાવના થઈ હતી, પરંતુ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો એટલે માતા-પિતા અને સગાસંબંધીઓએ ખૂબ વિરોધ કર્યો હતો. એ યુવાન ચાતુર્માસમાં રોજ મહારાજશ્રી પાસે આવતો હતો અને ચાતુર્માસ પછી એને દીક્ષા આપવાનો દિવસ પણ જાહેર થઈ ગયો હતો. પરંતુ માતાપિતાના વિરોધને કારણે આત્મારામજી મહારાજે એને દીક્ષા આપવાની ના પાડી દીધી હતી. એથી માતાપિતા રાજી થયાં હતાં. વિરોધ શમી ગયો હતો. ચાતુર્માસ પછી મહારાજશ્રી વિહાર કરવાના હતાં ત્યાં એક યતિએ ટકોર કરતાં કહ્યું, “તમે દીક્ષા આપવાના હતા અને એની જાહેરાત થઈ ગઈ છે. તે પછી તમારા હાથે દીક્ષા ન અપાય એ બરાબર નથી. મને એમ લાગે છે કે દીક્ષા આપવી જોઈતી હતી.” યતિની ટકોર મહારાજશ્રી સમજી ગયા. એમણે તરત કહ્યું, “ભલે તમારી જો એવી જ ઇચ્છા હોય તો હવે નિર્ધારિત સમયે દીક્ષા અપાશે જ.” એમ કહ્યા પછી ત્રણચાર દિવસમાં એવું પરિવર્તન આવી ગયું કે યુવાનનાં માતા-પિતાએ સામેથી રાજીખુશીથી આવીને પોતાના દીકરાને દીક્ષા આપવા માટે સંમતિ આપી અને એ પ્રમાણે નિર્ધારિત સમયે દીક્ષા ધામધૂમ સાથે અપાઈ. એ જોઈ મહારાજશ્રીની મંત્રશક્તિની યતિશ્રીને પ્રતીતિ થઈ હતી.
આત્મારામજી મહારાજ કેટલાક વર્ષથી પંજાબમાં વિચરતા રહ્યા હતા. હવે તેમની ઇચ્છા રાજસ્થાન અને ગુજરાત તરફ વિચરવાની હતી, પરંતુ વિ.સં. ૧૯૫૩નું ચાતુર્માસ ગુજરાનવાલા (જે હાલ પાકિસ્તાનમાં છે)માં નક્કી થયું હતું. તેઓ વિહાર કરતાં કરતાં ગુજરાનવાલા આવી પહોંચ્યા, પરંતુ માર્ગમાં એમની તબિયત બગડવા લાગી હતી. પહેલાં જેટલો ઉગ્રવિહાર એમનાથી હવે થતો ન હતો. તરત થાક લાગી જતો, હાંફ ચડતો. ગુજરાનવાલામાં ૧૯૫૩ના જેઠ સુદ સાતમના રોજ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે તેઓને એકદમ શ્વાસ ચડ્યો. એમની નિદ્રા ઊડી ગઈ. તેઓ આસન ઉપર બેઠા. તેમના શિષ્યો અને ભક્તો એમની પાસે દોડી આવ્યા.