Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૯૬ ]
[ અણગારનાં અજવાળા અધ્યયન સારી રીતે કર્યું. ભાવનગરમાં હતા ત્યારે ૪૫ આગમોના પંચાગી સહિત અભ્યાસ કરી લીધો હતો. અમદાવાદના અને ભાવનગરના સંઘોએ એમને માટે પંડિતોની વ્યવસ્થા કરી આપી હતી. તે વખતના જાણીતા પંડિત હરિનારાયણ પાસે એમણે હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, લક્ષ્મીસૂરિ, વનવિજયજી ઉપરાંત ઉપાધ્યાય યશોવિજયજીના સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં લખાયેલા ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો. એમાં યશોવિજયજી ઉપાધ્યાયના ગ્રંથોએ એમને બહુ પ્રભાવિત કર્યા. તર્ક અને ન્યાયમુક્ત એ ગ્રંથોના અભ્યાસથી એમની દૃષ્ટિ ખુલી ગઈ.
આમ બૂટેરાયજી મહારાજ સાથે શાસ્ત્રચર્યા નિવારી અમરસિંહજીએ ક્ષમાપના કરી લીધી. એથી વિવાદનો વંટોળ શમી ગયો અને જેને શ્રદ્ધા હોય તે પ્રમાણે આચરણ કરવા લાગ્યા. અલબત્ત બૂટેરાયજી મહારાજના આગમનને કારણે પંજાબમાં આત્મારામજી મહારાજ વગેરે બીજા ઘણા સાધુ-મહાત્માઓએ પણ પોતાના સંપ્રદાયમાંથી નીકળી ગુજરાતમાં જઈ સંવેગી દીક્ષા લીધી.
વિ.સં. ૧૯૩૮માં બૂટેરાયજી મહારાજે અમદાવાદમાં પંચોતેર વર્ષની ઉંમરે પંદર દિવસની બિમારી પછી ફાગણ વદ અમાસ (પંજાબી ચૈત્ર અમાસ)ના રોજ રાત્રે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં ઝડપથી પ્રસરી જતાં ત્યાં ત્યાં એમના ભક્તવર્ગમાં શોક છવાઈ ગયો. ચૈત્ર સુદ એકમના રોજ સાબરમતી નદીના કિનારે ચંદનની ચિતામાં એમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે ત્યાં હજારો નગરજનોની આંખોમાંથી આંસુ વહ્યાં હતાં.
બૂટેરાયજી મહારાજને અંજલિ આપતાં શ્રી ન્યાયવિજયજી મહારાજે લખ્યું છે કે, “બૂટેરાયજીની દેહમુદ્રામાં પ્રતાપ હતો, આત્મમુદ્રામાં ગુણગૌરવ હતાં અને વિશાલ લલાટપટમાં બ્રહ્મચર્યનું અલૌકિક ઓજસ હતું. એમના પંજાબી ખડતલ દેહમાં સુંદરતા, સુકુમારતા અને સજ્જનતા તરવરતી. બૂટેરાયજી મહારાજ એટલે પરમ ત્યાગમૂર્તિ, મહાયોગીરાજ, સત્ય અને સંયમની પ્રતિમા.”