Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૯૪ ]
[ અણગારનાં અજવાળા
જોડાઈને અમને લાભ આપો. વળી આપને પણ અનુકૂળતા રહેશે, કારણ કે રસ્તામાં ઘણે ઠેકાણે જૈનોનાં ઘર નથી.”
બૂટેરાયજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજે સંઘપતિની વિનંતીનો સ્વીકાર કર્યો અને તેઓ સંઘ સાથે જોડાઈ ગયા. પ્રાંતિજ સુધી સંઘ સાથે પહોંચી ત્યાંથી તેઓ વિહાર કરી અમદાવાદ પહોંચ્યા. નગર બહાર શેઠ હઠીસિંહની વાડીએ ઊતર્યા.
એમના આગમનના સમાચાર અમદાવાદના સંઘમાં પહોંચી ગયા. સૌભાગ્યવિજયજી મહારાજે માણસ મોકલી એમને ઉપાશ્રયે તેડાવ્યા. દાદા મણિવિજયજી, સૌભાગ્યવિજયજી વગેરે સંવેગી સાધુઓનાં દર્શન કરી તેઓએ ધન્યતા અનુભવી. થોડા દિવસ રોકાઈને તેઓ શત્રુંજયની યાત્રાએ સંઘ જતો હતો તેની સાથે જોડાઈ ગયા. શત્રુંજયની તીર્થયાત્રા પહેલીવાર કરીને તેઓએ અનન્ય ધન્યતા અને પ્રસન્નતા અનુભવી. થોડા દિવસ તેઓ ત્યાં રોકાયા. ત્યાં યતિઓનું જોર ઘણું હતું, એટલે ચાતુર્માસ આસપાસ કરવાનો એમણે વિચાર કર્યો. નજીકમાં વિહાર કરીને વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદ્રજી મહારાજ ભાવનગરમાં સ્થળની અનુકૂળતા જોઈ આવ્યા. ભાવનગરના સંઘે પાલિતાણા આવીને તેમને વિનંતી કરતાં બૂટેરાયજી મહારાજે ગુજરાતમાં પ્રથમ ચાતુર્માસ ભાવનગરમાં કર્યું.
ભાવનગરના ચાતુર્માસ પછી ફરી તેઓ ભાવનગરના સંઘ સાથે સિદ્ધાચલની યાત્રાએ ગયા. પાલિતાણામાં થોડો સમય રોકાઈ તેમણે અમદાવાદ તરફ વિહાર કર્યો. વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદ્રજી મહારાજે ગિરનારની યાત્રા માટે જૂનાગઢ તરફ વિહાર કર્યો. ગ્રામાનુગ્રામ વિહાર કરતા બૂટેરાયજી મહારાજ અને મૂલચંદજી મહારાજ લીંબડી પધાર્યા. ત્યાં થોડા દિવસ રોકાયા તે દરમિયાન મૂલચંદજી મહારાજને તાવ આવ્યો. એ વખતે બૂટેરાયજી મહારાજે મૂલચંદજી મહારાજની ઘણી સેવા ચાકરી કરી હતી. એવામાં વૃદ્ધિચંદજી મહારાજ ગિરનારની જાત્રા કરી ત્યાં આવી પહોંચ્યા હતાં. પ્રેમચંદજી છૂટા પડી એકલવિહારી થઈ ગયા હતાં.
મૂલચંદજી મહારાજને તદ્દન સારું થઈ ગયું. ત્યારપછી વિહાર કરીને તેઓ ત્રણે અમદાવાદ આવી પહોંચ્યા અને ઊજમફઈની ધર્મશાળામાં ઊતર્યા,