Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
_[ ૯૫ ત્યાં પંન્યાસ દાદા મણિવિજયજી તથા ગણિ સૌભાગ્યવિજયજીના ગાઢ સમાગમમાં તેઓ આવ્યા અને તેઓ ત્રણેએ મણિવિજયજી દાદા પાસે મૂર્તિપૂજક સમુદાયમાં સંવેગી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. એ માટે સૌભાગ્યવિજયજી મહારાજ પાસે યોગવહન પણ કર્યા. ત્યારપછી સં. ૧૯૧૨માં ચતુર્વિધ સંઘ સમક્ષ મણિવિજયજી દાદાએ તેઓ ત્રણેને સંવેગી દીક્ષા આપી. મુનિ બૂટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, મુનિ મૂલચંદજીનું નામ મુનિ મુક્તિવિજયજી અને મુનિ વૃદ્ધિચંદ્રજીનું નામ મુનિ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. સંવેગી દીક્ષા ધારણ કરીને તેઓ ત્રણેએ હર્ષોલ્લાસ સાથે કૃતાર્થતા અને ધન્યતા અનુભવી જૈન શાસનના ઇતિહાસમાં આ એક જબરજસ્ત ક્રાંતિકારી ઘટના બની.
બૂટેરાયજી મહારાજ ખરેખર એક ઊંચી કોટિના સાધુ હતા. તેઓ બ્રહ્મચર્યના પાલનમાં તથા સ્વાદેન્દ્રિય ઉપર વિજય મેળવવામાં ઘણા મક્કમ હતા. તપશ્ચર્યા, વિહાર વગેરે કરવા માટે તેમની પાસે સારું શરીરબળ અને મનોબળ હતું. ભાવનગરમાં ચાતુર્માસ કર્યા પછી બૂટેરાયજી મહારાજ પોતાના શિષ્યો સાથે પાલિતાણા પધાર્યા હતા. તે સમયના બેએક પ્રસંગો નોંધાયેલા છે. પાલિતાણામાં મૂલચંદજી ગોચરી વહોરવા જતા. તેઓ પણ પોતાના ગુરુમહારાજની જેમ એક જ પાત્રમાં બધી ગોચરી વહોરી લાવતા. એવી રીતે મિશ્ર થઈ ગયેલી ગોચરી તેઓ વાપરતા જેથી સ્વાદ ઉપર વિજય મેળવાય.
- પંજાબનાં લોકો દાળશાકમાં ગોળ ન નાખે. એક દિવસ મૂલચંદજી મહારાજ ગોચરી વહોરી લાવ્યા હતા. ગોચરી વાપરતાં બૂટેરાયજી મહારાજે મૂલચંદજીને કહ્યું, “મૂલા, આ કઢી બહુ ગળી લાગે છે.” તે વખતે મૂળચંદજી મહારાજે કહ્યું, “ગુરુદેવ, એ કઢી નથી પણ કેસરિયા દૂધ છે. એ તો ગળ્યું જ હોય.”
આમ બૂટેરાયજી મહારાજે ખાવાની વાનગીઓમાં રસ લીધો નહોતો. પાત્રમાં જે આવે તે તેઓ વાપરી લેતા. શ્રીખંડ, દૂધપાક કે કઢી વચ્ચે તેમને બહુ ફેર જણાતો નહીં.
બૂટેરાયજી મહારાજે સંવેગી દીક્ષા લીધા પછી ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળે જ ચાતુર્માસ કર્યા. તે સમય દરમિયાન તેમણે શાસ્ત્રીય