Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૯૧ મુહપત્તી બાંધી નહોતી. મોઢે મુહપત્તી બાંધવાનું ફરમાન આગમસૂત્રોમાં આવતું નથી. એટલે એમણે પોતાની શંકા અમરસિંહજી પાસે દર્શાવી. અમરસિંહજી પાસે એનો જવાબ નહોતો. એમણે એટલું જ કહ્યું કે, “આપણે મોઢે મુહપત્તી ન બાંધીએ તો લોકો આપણને યતિ કહે. માટે મોઢે મુહપત્તી બાંધવી જરૂરી છે.”
પરંતુ આ ખુલાસાથી બૂટેરાયજીને સંતોષ થયો નહીં. વળી જિનપ્રતિમાનાં દર્શન-વંદનનો નિષેધ આગમસૂત્રમાં ક્યાંય આવતો નથી. એ વિશે પણ એમણે અમરસિંહજી પાસે પોતાની શંકા વ્યક્ત કરી, પરંતુ તેનો પણ કોઈ સંતોષકારક ખુલાસો મળ્યો નહીં.
દિલ્હીના ચાતુર્માસ પછી બૂટેરાયજી પોતાના શિષ્યો સાથે પતિયાલા, સિયાલકોટ, રાવલપિંડી વગેરે સ્થળોએ વિચરી પાછા પતિયાલા પધાર્યા. ત્યાં રસ્તામાં અમરસિંહજી મળી ગયા. તેમણે બૂટેરાયજીને કહ્યું કે, “બૂટેરાયજી, તમે સારો શાસ્ત્રોભ્યાસ કર્યો છે. મારા કરતાં તમે મોટા છો. આપણે એક જ ગુરુઋષિ મલકચંદજીના ટોળાના છીએ તો આપણે સાથે વિચારીએ તો
કેમ?”
અમરસિંહજીની દરખાસ્ત બૂટેરાયજીએ સ્વીકારી લીધી. તેઓ સાથે વિહાર કરવા લાગ્યા. એમ કરતાં અમૃતસર તેઓ બંને પધાર્યા, પરંતુ અમૃતસરમાં બૂટેરાયજી મુહપત્તી અને જિનપ્રતિમા વિશેના પોતાના વિચારો બીજા સાધુઓ પાસે વ્યક્ત કરતા તે અમરસિંહજીને ગમતું નહીં. અમરસિંહજીએ બૂટેરાયજીનો જાહેરમાં વિરોધ ચાલુ કરી દીધો. આથી શ્રાવકોમાં પણ બે પક્ષ પડી ગયા. પંજાબમાં બધે આ બાબત જાહેર ચર્ચાનો વિષય બની ગઈ. અમરસિંહજીએ પોતાના ક્ષેત્રના શ્રાવકોને તૈયાર કર્યા હતા અને ધમકી આપી કે બૂટેરાયજી જો પોતાના ક્ષેત્રમાં આવશે તો એમનો વેશ ખેંચી લેવામાં આવશે.
આ સમય દરમ્યાન બૂટેરાયજી પાસે ખાસ કોઈ શિષ્યો રહ્યા ન હતા. સ્થાનકવાસી સંપ્રદાયના બાવીસ ટોળામાં તેમણે ચાર શિષ્યો બનાવ્યા હતા, પરંતુ એમાંથી માલેરકોટલાવાળા બે શિષ્યો એમને છોડીને ચાલ્યા ગયા હતા. એક શિષ્ય કાળધર્મ પામ્યા હતા. એક જાટ જાતિના શિષ્ય હતા, તેમણે દીક્ષા