Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૫૦ ]
[ અણગારનાં અજવાળા સતત પરિશ્રમ પછી પૂર્ણ કર્યું. તેઓશ્રીના જીવનકાળ દરમિયાન ૨૭ આગમો શાસ્ત્ર સ્વરૂપે ચાર ભાષામાં છપાઈ સમાજ સમક્ષ મુકાઈ ગયા છે અને તેનો લાભ સારા પ્રમાણમાં લેવાઈ રહ્યો છે. એમના આગમોના અનુવાદો ત્રિવિધ હતા. એવો પ્રયાસ જૈન સાહિત્યના ઇતિહાસમાં સર્વપ્રથમ જ ગણી શકાય. સૂત્રનો મૂળ પાઠ ગદ્ય-પદ્ય રૂપે પ્રથમ આવે, પછી તેની છાયા અને ટીકા સંસ્કૃતમાં આવે, પછી હિંદી-ગુજરાતી ભાષાંતરો આવે–આ પ્રકારની આગમ-સંકલનાની તેમની શૈલીને વિશાળ દૃષ્ટિવાળી, વિશિષ્ટ અને અપૂર્વ ગણી શકાય.
પૂજ્ય ઘાસીલાલજી મહારાજે કરેલા ઉપકારનું ઋણ જૈન સમાજ કદીએ વાળી શકે તેમ નથી, કેમ કે તેમણે કરેલા પ્રયત્નના ફળરૂપે જ આજે દરેક જૈનબંધુ ગુજરાતી-હિંદી ભાષા દ્વારા પણ આગમોને વાંચી શકે છે. એક આગમોદ્ધારક તરીકે એમનો અપાર ઉપકાર સ્થાનકવાસી જૈન સમાજ ઉપર વિશેષ છે.
સમ્માનની ઉચ્ચ પદવીઓ : ઘાસીલાલજી મહારાજની વિદ્વત્તાથી પ્રભાવિત થઈને કોલ્હાપુરના મહારાજાએ તેઓશ્રીને કોલ્હાપુર રાજપુરુષ તથા શાસનાચાર્યની પદવીથી વિભૂષિત કર્યા હતા. તેઓશ્રીની ત્યાગ, તપસ્યા અને સંયમની ઉત્કૃષ્ટતા જોઈને કરાંચી સંઘે “જેન દિવાકર' અને જૈન આચાર્ય પદવી દ્વારા તેમને ગૌરવાન્વિત કર્યા હતા.
પૂ.શ્રી ઘાસીલાલજી મહારાજે ઉપરનાં બત્રીસ સૂત્રો પર સંસ્કૃતમાં વિસ્તૃત ટીકાઓ રચીને તેનો હિન્દી તથા ગુજરાતી ભાષાઓમાં અનુવાદ પણ કરેલો છે. આગમ સાહિત્ય ઉપરાંત ન્યાય, વ્યાકરણના અનેક ગ્રંથો, શબ્દકોષ તથા કાવ્યગ્રંથોની રચના પણ તેઓશ્રીએ કરી છે. આ વિપુલ ગ્રંથસૂચિ તેમની બહુશ્રુતતા, વિદ્વતા અને સર્વતોમુખી પ્રતિભાની દ્યોતક છે. આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજે તેમના પ્રકાંડ પાંડિત્ય દ્વારા સ્થાનકવાસી સાહિત્યને ઊંચુ શિખર પ્રદાન કરવાનો અવિરત પ્રયત્ન કર્યો. સરળતા, નમ્રતા, મધુરતા, હૃદયની ગંભીરતા, મનની મૃદુતા, આત્માની દિવ્યતા આદિ અનેક ગુણોથી પોતાનું જીવન તેઓશ્રીએ સુવાસિત બનાવ્યું હતું. તેથી જ જૈન-જૈનેતર સમાજમાં મહારાજશ્રીના ચારિત્રનો ખૂબ જ પ્રભાવ