Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
_[ ૮૩ વિશ્વ વાત્સલ્યના આરાધક ક્રાંતદંષ્ટા મુનિ સંતબાલ
સરોવર, તરૂવર (વૃક્ષો) અને સંતોનું જીવન પરોપકાર અર્થે જ હોય છે એમ મુનિ સંતબાલ પીડિતો પ્રતિ કરુણાથી પ્રેરાઈ દુઃખિયાના હમદર્દ અને માર્ગ ભૂલેલાના હમરાહ બન્યા હતા. એમણે નિજી જીવનમાં નિશ્ચય અને વ્યવહારનો સમન્વય કર્યો હતો.
મુનિ સંતબાલજીનો જન્મ સૌરાષ્ટ્રમાં ટંકારાથી ચાર માઈલ દૂર ટોળ ગામમાં નાગજીભાઈ દેવજીભાઈ દોશીનાં ધર્મપત્ની મોટી બહેનની કૂખે વિ.સ. ૧૯૬૦ના શ્રાવણ સુદ પૂનમ ૨૬-૮-૧૯૦૪ના દિવસે થયો. સૌરાષ્ટ્રના આ વિસ્તારે જગતને ત્રણ મહાપુરુષો આપ્યા. ટોળના મુનિશ્રી સંતબાલ ઉપરાંત મોરબી પાસેના વાણીયા ગામના શ્રીમદ્ રાજચંદ્ર અને ટંકારાના સ્વામી દયાનંદ સરસ્વતી છે. સંતબાલનું સંસારી નામ શિવલાલ હતું. માતુશ્રી મોતીબહેન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન હતાં તો પિતાશ્રી નાગજીભાઈ દોશી સ્થાનવાસી જૈન હતા. નાનપણમાં શિવલાલે પિતાનું છત્ર ગુમાવ્યું. ૧૮ વર્ષની વયે માતા મોતીબાએ શિવલાલનાં વેવિશાળ માટે વચન આપી દીધેલ. થોડા સમય પછી માતાનું અવસાન થતાં વૈરાગ્યના રંગો વધુ ચૂંટાયા. શિવલાલે કન્યાના ઘરે જઈ વાત કરી કે, મેં દીક્ષા લેવાનું નક્કી કર્યું છે, તમારે સંયમ માર્ગે આવવું હોય તો મારી અનુમોદના છે અને સંસારમાં રહેવું હોય તો તમારા ભાઈ તરીકે મારા તમને આશીર્વાદ છે. આમ કહી શિવલાલે વાગ્દત્તા દીવાળીને વીરપસલીની સાડી ઓઢાડી, દીવાળીએ પણ ભાઈનું મોં મીઠું કરાવ્યું. દીક્ષા માટે અનુમતિ મળતાં શિવલાલે વિ.સ. ૧૯૮૫ના પોષ સુદ આઠમ ૧૮-૧-૧૯૨૯ના દીને મોરબીમાં સ્થાનકવાસી સંપ્રદાયના કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજ સાહેબ પાસે ભગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી બન્યા. દીક્ષા લીધા પછી જીવનની દૃષ્ટિમાં આમૂલ પરિવર્તન આવ્યું. સર્વમાં માતાના વાત્સલ્યનું દર્શન કરતાં ૐ મૈયાને પોતાના જીવનનું સૂત્ર બનાવ્યું. જગતના તમામ સૌંદર્યને બાલભાવે નિહાળતા બાળક જેવા નિખાલસ અને નિર્દોષ સંતે સંતબાલનું નામ ધારણ કર્યું.