Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૩૯ માટે કહ્યું. આમ થોડો વખત ચાલ્યું પણ જવાહરની વૃત્તિમાં કોઈ ફેર પડ્યો નહીં, તેથી તેમણે ગામના અગ્રણીઓ અને વડીલોને સૂચના આપી કે જ્યારે તક મળે ત્યારે આ બાળકને સાધુઓની નિંદા સંભળાવવી, તેના મનમાં સાધુઓ પ્રત્યે ભયની લાગણી ઉત્પન કરવી અને ધાર્મિક બાબતો પ્રત્યે અરુચિ થાય તેવું આયોજન કરવું. આમ વિવિધ ઉપાયો દ્વારા જવાહરના વિરક્ત જીવન પ્રત્યેના વલણને નિષ્ફળ બનાવવા તેમણે યથાશક્ય પ્રયત્ન કર્યો, પરંતુ હોનહારને કોણ ટાળી શકે છે? છેલ્લાં લગભગ ચાર વર્ષથી જવાહરલાલજી દુકાનમાં અને ઘરમાં જળકમળવત્ રહેતા અને વાચન, ચિંતન અને સંત-સમાગમના વિરહમાં દિવસો વિતાવતા પણ તેમના મનનું સમાધાન થતું નહીં.
સંત-સમાગમ અને દીક્ષાઃ જસવંતલાલજીના પુત્ર ઉદયચંદની સાથે એકવાર તેમને દાહોદની નજીક આવેલા લીંબડી ગામે જવાનું થયું. ત્યાં હુકમીચંદજીની પરંપરાના પરાના ઘાસીલાલજી મહારાજનો સમાગમ થયો. તેથી તે લીંબડી ગામે રોકાઈ ગયા અને પોતાના અંતરની વાત પૂ. મહારાજશ્રીને જણાવી, પરંતુ મહારાજશ્રીએ સ્વજનોની અનુમતિ માટે આગ્રહ કર્યો. જશરાજજીએ છળકપટ કરીને જવાહરલાલજીને બોલાવી લીધા, પરંતુ આ વાત હવે આગળ વધી ગઈ હતી, તેથી થોડા દિવસોમાં ભૈરા નામના ધોબીના ઘોડા ઉપર બેસીને તેઓ પુનઃ લીંબડી પહોંચી ગયા. હવે કોઈ ઉપાય ન રહેવાથી ધનરાજજીને પણ પોતાના પુત્ર ઉદયચંદજી સાથે દીક્ષા લેવાનું સંમતિપત્ર મોકલી આપવું પડ્યું. આમ વિ.સં. ૧૯૪૮ના માગશર સુદ બીજના શુભમુહૂર્ત જવાહરલાલજીની દીક્ષાનો નિર્ણય લેવાયો. શ્રી ઘાસીલાલજી મહારાજે કેશલોચ કર્યો અને જવાહરલાલજીએ શ્રી મગનલાલના શિષ્ય તરીકે મહાવ્રતનું ઉચ્ચારણ કરી દીક્ષા લેવાની પોતાની ભાવના પૂરી કરી. ભૂખ્યાને ઘેબર મળે કે નિર્ધનને રત્નચિંતામણિ મળે તેમ જવાહરલાલજીના હર્ષનો આજે પાર નહોતો, કારણ કે પોતાની ચિર પ્રતિક્ષિત વૈરાગ્યભાવના જીવનમાં આજે સાકાર બની હતી.
અધ્યયન અને વિહાર : પોતાનું જીવન ઉન્નત બનાવવાની તમન્ના પૂર્વસંસ્કારના બળથી જવાહરલાલજીને નાનપણથી જ પ્રાપ્ત થઈ હતી. આ