Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૪૬ ]
[ અણગારનાં અજવાળા આગમોદ્ધારક શ્રી ઘાસીલાલજી મહારાજ
જૈનાચાર્ય સાહિત્ય-મહારથી શ્રી ઘાસીલાલજી મહારાજ સ્થાનકવાસી જૈન સમાજના એક પ્રસિદ્ધ ત્યાગી વિદ્વાન હતા. તેમના આચાર અને વિચાર અત્યંત ઉચ્ચ કોટિના હતા. તેમના જીવનનો મહદ્અંશ આગમોની ટીકા અને વિવિધ સાહિત્યની રચના કરવામાં વ્યતીત થયો હતો. સ્થાનકવાસી સમાજના નિકટવર્તી ઇતિહાસમાં આટલા વિશાળ અને ઉપયોગી સાહિત્યનિર્માણનો ભગીરથ પ્રયત્ન અન્ય કોઈ ત્યાગી દ્વારા થયો હોય એમ લાગતું નથી. મહાન આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજના સુયોગ્ય શિષ્ય શ્રી ઘાસીલાલજી મહારાજે જૈન સાહિત્ય અને જૈન ધર્મનાં તત્ત્વોની ખૂબ જ પ્રભાવના કરી પોતાના પ્રતિભાશાળી વ્યક્તિત્વનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની સાહિત્યરચના તેમાં શુદ્ધ, પવિત્ર અને દીર્ધ સંયમી જીવનના અંતર્નાદને સહજ વાચા આપે છે. આમ, આપણને તેમનામાં વિચાર અને આચારના સુભગ સમન્વયથી વ્યુત્પન થતાં એક વિશિષ્ટ વ્યક્તિત્વની ઝાંખી થાય છે.
કુળ અને જન્મઃ તેમના દાદાનું નામ શ્રી પરસરામજી અને દાદીનું નામ શ્રીમતી ચતુરાબાઈ હતું. તેમને જન્મ આપનાર પિતા કનીરામજી અને માતા વિમલબાઈ હતાં. પિતાની પાસે ખેતીવાડી, જમીન અને મિલકત સારા પ્રમાણમાં હતી. આમ, તેઓ બધી રીતે સુખી હતા. ગામમાં સર્વત્ર તેમની નામના હતી. હૃદયના તેઓ અત્યંત સરળ હતા. બીજાનું ભલું કરવામાં તેઓ હંમેશા તત્પર રહેતા અને અર્થોપાર્જન પણ ન્યાયનીતિપૂર્વક કરતા. નીતિપૂર્ણ વ્યવહારને કારણે તેમની સારી પ્રતિષ્ઠા હતી. તેમનાં માતા વિમલાબાઈ નામ પ્રમાણે વિમલ હૃદયનાં હતાં. પવિત્ર આચાર-વિચાર, પતિપરાયણતા તથા ધર્મપરાયણતાનાં તેઓ મંગલમૂર્તિ સમાં હતાં. પં. ઘાસીલાલજીનો જન્મ રજપૂતાનાની વીરોની ભૂમિ મેવાડમાં થયો હતો. જશવંતગઢ પાસે બોલ ગામમાં વિ.સં. ૧૯૪૧માં તેમનો જન્મ થયો હતો. તેઓનું બાહ્ય વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. વાન ઊજળો અને મુખાકૃતિ તેજસ્વી હતી. જોનારને લાગતું કે બાળક અસાધારણ પ્રતિભાશાળી થશે. એ સાંભળીને માતા-પિતાએ રાશિ પ્રમાણે તેઓનું નામ ઘાસીલાલ રાખ્યું.