________________
૭ : પાપને પાપ માને તે જ જૈનશાસનમાં :
શ્રી જૈન શાસનની સ્થાપના શા માટે ?
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિશ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે, આ જગતના પ્રાણીઓ અંધ છે અને અંધકારમાં પડેલાં છે. અંધતા બે જાતની છે. દ્રવ્ય અને ભાવ. નેત્રનો અભાવ તે દ્રવ્ય અંધકાર, વિવેકનો અભાવ તે ભાવ અંધકાર. ભાવ અંધકાર ભયંકર છે. દુનિયાનાં મોટા ભાગમાં વિવેકહીન આત્માઓનો વાસ છે. એ બિચારા ભાવથી અંધ છે અને પાછા અંધકારમાં પડેલા છે. પ્રકાશનો અભાવ તે દ્રવ્ય અંધકાર, જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, મન, વચન કાયાની સ્વચ્છંદ ચેષ્ટા અને પ્રમાદ એ ભાવ અંધકાર. એ અંધકાર ઘણો કઠિન છે. વિવેકહીન આત્માને વિવેકી બનાવી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગથી બહાર કાઢવા માટે શ્રી જૈન શાસનની સ્થાપના છે.
વિવેકહીન ભયંકર શા માટે ?
જીવો વિવેક ચક્ષુ વગર આંધળા તો છે અને પાછા મિથ્યાત્વાદિ અંધકારમાં પડેલા છે, માટે એ ઘણા દુ:ખી છે. મિથ્યાત્વનું જોર તો કાયમનું બેઠેલું છે; તેથી કહો ને કે મૂળમાં જ અંધકાર છે, અર્થાત્ સાચું સમજવાનો અભાવ છે. ચક્ષુહીનને તો ધારીએ એ માર્ગે લઈ જવાય. એમને દો૨વા સહેલા, કેમકે એ પોતાની જાતને આંધળા માને છે, પોતાને આંધળા તરીકે ઓળખાવે છે, બીજાની દયા યાચે છે, આશ્રય પણ માગે છે, રાજીખુશીથી બીજાની નિશ્રા સ્વીકારે છે. વિવેકહીન તો પોતાને આંધળો માનતો જ નથી, એટલે કોઈનું સાંભળતો નથી અને માનતો પણ નથી. પછી કોઈની પાછળ ચાલવાની તો વાત જ ક્યાં રહી ? જો કે અંધાપા તો બેય ખોટા, પણ સરખામણીમાં નેત્રના અભાવ કરતાં વિવેકનો અભાવ ભયંકર ખોટો. નેત્રહીન કરતાં વિવેકહીન ભયંકર એટલા માટે કે એ પોતે ખાડામાં પડેલો છે ને બીજાને પણ ખાડામાં પાડે છે. નેત્રહીનને તો સૌ ઓળખે એટલે એની પાછળ કોઈ જાય જ નહિ અને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org