________________
( ૧૦ ) આત્મા નિમિત્તને આધિન છે. નિમિત્તો મળતાં વારંવાર ઉપયોગ બદલાઈ જાય છે, એટલે ઇચ્છા ન છતાં પરદ્રવ્યનું ચિંતન નિમિત્તોના કારણે થઈ જાય છે તે અટકાવવા માટે બાહ્ય નિમિત્તો પણ દૂર કરવાની આ જીવને અમુક હદ સુધી જરૂર છે તે જણાવવા માટે નિર્જન સ્થાન નામનું સોળમું પ્રકરણ કહેવામાં આવ્યું છે.
આ નિર્જન સ્થાનમાં રહી જ્ઞાતા અને શેય–જાણવા લાયક પદાર્થો અને જાણનારો એ બે ભાવોનો પરસ્પર લોઢું અને લોહચુંબકની માફક જે ખેંચાણવાળો–આકર્ષણ કરવાવાળો રાગદ્વેષની લાગણીથી સંબંધ જોડાયેલો છે તેને જુદો પાડવા મધ્યસ્થતાવાળા જ્ઞાતા અને દૃષ્ટા ભાવે રહેવા માટે સત્તરમાં પ્રકરણમાં જ્ઞાતા અને શેય સંબંધી હકીકત બતાવવામાં આવી છે.
આમ જ્ઞાતા અને શેયનો નિર્ણય કર્યા પછી સાધકના માટે બે માર્ગો પ્રયાણ કરવાના રહે છે. એક ક્રમનો ધીમો માર્ગ, બીજો ઉત્ક્રમનો ઉતાવળો માર્ગ. પોતાની યોગ્યતાનો તપાસ કરીને સાધકે બેમાંથી એક માર્ગ ગ્રહણ કરીને તે માર્ગે પોતાની બધી શક્તિ કામ લગાડવી. આ વાતને જણાવવા માટે કટિકા અને વિહંગમ માર્ગ–એક જમીનનો યા આધારવાળો માર્ગ અને બીજો આકાશી નિરાલંબન માર્ગ અઢારમા પ્રકરણમાં બતાવવામાં આવ્યો છે, અને આ પ્રમાણે ગ્રંથની પૂર્ણાહુતિ કરવામાં આવી છે.