________________
૨૨ આત્મવિશુદ્ધિ જગાડનાર ગુરૂની પ્રાપ્તિ મને કોઈ વખત ન થઈ. અને તેવા ગુરૂ વિના શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ ક્યાંથી થાય?
આહા! સચેતન અને અચેતન શુભ દ્રવ્યોમાં અનેકવાર મેં પ્રીતિ ધારણ કરી પણ પ્રબળ મોહના ઉદયને લીધે જ્ઞાન સ્વરૂપ આત્મામાં મેં ન કરી. અરે! દુષ્કરમાં દુષ્કર શુભાશુભ અનેક કર્મો મેં અનેકવાર કર્યા પણ શુદ્ધ આત્માનું ચિંતન કરવાનો વખત મને ન મળ્યો.
પ્રભુની કૃપા થઈ. મોહનો ઉદય મંદ પડ્યો. સદગુરૂનો સમાગમ થયો. આત્મજાગૃતિનો પ્રકાશ પડ્યો. અજ્ઞાન અંધકાર ગયો. સતુ શાસ્ત્રોનું શ્રવણ કર્યું. હવે મને શુદ્ધ આત્મા તરફ પ્રીતિ થઈ, તેને લઈને મન ઇચ્છા વિનાનું થયું. હવે પ્રથમનાં આસક્તિવાળા સ્થાનો અને પાત્રો મને હળાહળ ઝેર જેવાં લાગે છે. આત્મજ્ઞાની મનુષ્યોની સોબત ગમે છે. આત્મજાગૃતિ કરાવનારાં શાસ્ત્રો સારા લાગે છે. મન પણ વિવિધ ઇચ્છાથી મુકાણું હોવાથી વિકલ્પો વિનાનું રહે છે, તેથી હવે શુદ્ધ આત્માના ચિંતનમાં હું કચાશ નહિ રાખું. આત્મજાગૃતિ થવી તે જ ધર્મની યુવાવસ્થાનો કાળ મારા માટે છે. નિરોગી શરીર, લાંબુ આયુષ્ય, અનુકુળ સંયોગો અને સદગુરૂનો સમાગમ, એ આગળ વધવામાં મહાનું મદદગારો છે, માટે હવે હું મારા આત્માની પ્રાપ્તિ કરવામાં કચાશ નહિ રાખું.