________________
૪૮ * આત્મવિશુદ્ધિ
નથી, હું ક્ષત્રીય નથી, હું વૈશ્ય નથી, હું શુદ્ર નથી, હું જાડો નથી, હું પાતળો નથી, નિર્ધન નથી, ધનવાન્ નથી, રાજા નથી, રાંક નથી, ગૌર નથી, શ્યામ નથી, પંડિત નથી, મૂર્ખ નથી પણ જ્ઞાનસ્વરૂપ છું. ઉપર જણાવેલા ભાગોમાં હુંપણું ન માનવાનું કારણ એ છે કે તેમાં કોઈ દેહના ધર્મો છે, કોઈ મનના ધર્મો છે, કોઈ જાતિના ધર્મો છે, અને કોઈ આત્માથી જુદી જડ માયાની ઉપાધિઓ છે, પણ તેમાં આત્માનો ધર્મ કોઈ નથી. આત્મા અને જડના વિભાગને સમજનાર ભેદજ્ઞાની, પર વસ્તુમાં પોતાપણાનો આરોપ કે માન્યતા કરે જ નહિ, પર વસ્તુમાં પોતાપણાની માન્યતા એ જ અજ્ઞાન અને એ જ અભિમાન છે. કર્મનાં બંધનો વધારવાનો અને મજબુત કરવાનો આ માર્ગ છે. અભિમાન વિનાનું ચિંતન કરવું, આત્મસ્વરૂપને વારંવાર યાદ કરવું તે શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનું પરમ કારણ છે. જે જીવો મોહને લઈ પર વસ્તુમાં મારાપણારૂપ મમત્વ કરે છે તેઓને સ્વપ્ન પણ શુદ્ધ ચિત્રૂપની પ્રાપ્તિ થતી નથી.
આ શુભાશુભ કર્મો મારાં છે, શરીર મારૂં છે, માતા, પિતા, ભાઈ, વ્હેન, સ્ત્રી, પુત્ર, પુત્રી ઇત્યાદિ કુટુંબીઓ મારાં છે. આ દેશ, નગર, ગામ, જમીન, ઘર, હાટ, મંદિર, મહેલ, હાથી, ઘોડા, ગાય, ભેંસ, ઉંટ, બળદ, નોકર, ચાકર, દાસ, દાસી ઇત્યાદિ મારાં છે, આવું આવું બીજું પણ જે કાંઈ ચિંતન કરાય છે તે સર્વ મમત્વભાવને સૂચવે છે.