________________
પ૬ જ આત્મવિશુદ્ધિ પદવીઓમાં અને પશુતુલ્ય વૃત્તિઓમાં આસક્ત બની પ્રવૃત્તિ કરતા પ્રત્યક્ષ દેખાય છે, પણ પોતાના શુદ્ધ ચિતૂપમાં આસક્ત થનારા કોઈ વિરલા જ જીવો હોય છે.
જ્ઞાનીઓએ આ કાળને દુષમકાળ કહ્યો છે તેનું કારણ માત્ર એ જ છે કે ઉપર બતાવેલાં બાહ્ય દ્રવ્યમાં, ઇન્દ્રિયોમાં, શરીરમાં, વચનમાં, મનમાં અને બાહ્ય વિદ્યા કળામાં જીવો પ્રવૃત્તિ કરી રહ્યાં છે કે જે વિભાવદશા છે. આત્માના માર્ગની તે પ્રવૃત્તિ નથી પણ આત્માના માર્ગમાં વિઘ્નરૂપ તે પ્રવૃત્તિ છે, તેમાં જીવો મોહિત થઈ રહ્યાં છે, તેને માટે અહોનિશ પ્રવૃત્તિ કરી રહ્યાં છે, પરિણામે તે વસ્તુ જુદી છે, નાશ પામનારી છે, દગો દેનારી છે, દુઃખી કરનારી છે, છતાં તે સંબંધમાં આંખો મીંચીને જીવો પ્રવૃત્તિ કરી રહ્યાં છે અને જે વસ્તુ સાચી છે, કાયમ ટકી રહેનારી છે. સદા સાથે રહેનારી છે, સુખરૂપ છે તે પોતાનો આત્મા જ છે, તેને માટે જરા પણ વિચાર કે પ્રવૃત્તિ કરતા નથી. માટે જ આત્મા તરફ પ્રવૃત્તિ કરવી, તેની ઉપાસના કરવી તે દુર્લભ છે. આ દુષમકાળમાં પણ આત્માને ઓળખીને તે તરફ પ્રવૃત્તિ કરનારી જીવો સહેલાઈથી પોતાનું કલ્યાણ કરી શકે છે. માટે ઉત્તમ વખત અને જે અનુકૂળ સાધનો પોતાને મળ્યાં હોય તેનો આત્માને માર્ગે ઉપયોગ કરવા ચૂકવું નહીં.