________________
૧૧૦ આત્મવિશુદ્ધિ - આ આકાશી માર્ગમાં મારૂદેવાજી માતા પહેલે નંબરે આવે છે. તેમને કોઈપણ જન્મમાં ધર્મની પ્રાપ્તિ થઈ નથી. અને મારૂદેવાજીના ભાવમાં જ આકાશી માર્ગ પ્રાપ્ત થયો છે. પાછલા જન્મની આત્મિક કમાણીવાળા જીવો ચાલુ મનુષ્ય જીવનમાં આકાશી માર્ગ પ્રાપ્ત કરેલા ભરત મહારાજા, દઢપ્રહારી, ચિલાતિપુત્ર, એલાઈચીપુત્ર, દરેક કાળમાં થયેલા તીર્થકરો અને ગૌતમસ્વામીએ પ્રતિબોધેલા પન્નરસો તાપસી આદિ અનેક જીવો છે.
આ માર્ગ વીર પુરુષોનો છે. આ માર્ગમાં વીર પુરુષો ચાલેલા છે. કાયર માણસ વીર પુરુષોનો વેશ પહેરી વીર પુરુષના હથીયાર બાંધે તો ઉપરથી તે એક સુભટ કે વીર પુરુષ જેવો તો દેખાશે પણ જ્યારે લડાઈમાં ખરાખરીનો ખેલ આવશે ત્યારે આ વીર પુરુષનો વેશ લેનાર કાયરને પ્રથમ જ નાસવું પડશે. તેમ પ્રભુમાર્ગનો વેશ અને સાધનોરૂપ હથીયારો પકડનારા, વખત અને લાયકાત આવ્યા પહેલાં આ માર્ગમાં પ્રવેશ કરનારાઓ મોહરાજા સાથેના યુદ્ધમાં કોઈ ક્રોધનો ઉદય થવાથી ક્રોધના હાથે, કોઈ માનને હાથે, કોઈ માયા પ્રપંચને હાથે, કોઈ લોભને હાથે, કોઈ રાગને હાથે, કોઈ દ્વેષ ઇર્ષાને હાથે, કોઈ કામને હાથે અને કોઈ મમત્વને હાથે માર ખાધા સિવાય નહિ રહે. દેખીતો સાધુનો વેશ અને તેના ઉપગરણોરૂપ હથીયારો પકડવા છતાં તેઓ અંદરખાનેથી હારી ગયેલા કાયર પુરુષો જ છે.