________________
૬૦ આત્મવિશુદ્ધિ
મિથ્યાત્વનાં પુગલો શોધેલાં હોવાથી ઉજળાં થયેલાં હોય તે સમ્યકત્વ મોહનીય છે. અરધાં શુદ્ધ અને અરધાં અશુદ્ધ એવા મિશ્ર મિથ્યાત્વનાં પુદ્ગલોને મિશ્રમોહનીય કહે છે અને સર્વથા અશુદ્ધ મિથ્યાત્વનાં પુગલો તે મિથ્યાત્વ મોહનીય છે. મિથ્યાત્વ મોહનીય એ કર્મોનું બીજ છે, અથવા મૂળ છે. ડાળાં પાંખડાં કાપી નાખવા છતાં જો મૂળ સાજુ હોય તો પાછું ઝાડ નવપલ્લવિત થાય છે, તેમ જો આ મિથ્યાત્વનું મૂળ કાયમ હોય તો આ સંસાર વૃક્ષ નવપલ્લવિત જ રહે છે. તેવા જીવોને ભવમાં આનંદ લાગે છે. પુદ્ગલોમાં જ સુખ દેખાય છે. આત્મામાં પ્રેમ થતો નથી, તેના સુખમાં શાંતિ દેખાતી નથી. અરે! તે આત્માનું નામ પણ તેને ગમતું નથી. આવા જીવોને મિથ્યાત્વી કહેવામાં આવે છે. કેમ કે પાંચ ઇન્દ્રિયનાં કે વિશ્વના મિથ્યા સુખમાં તેને પ્રીતિ હોય છે,
મિથ્યાત્વનાં અરધાં અશુદ્ધ પુદ્ગલવાળો જીવ તેના કરતાં સારો છે. તેને મનમાં મધ્યસ્થતા હોય છે. તેની સત્ય આત્મા તરફ પ્રવૃત્તિ તો નથી છતાં તેના ઉપર દ્વેષ કે ખેદ પણ નથી. એ પણ ઠીક છે અને આ પણ ઠીક છે. એવી માન્યતા હોય છે તેમ છતાં મિથ્યાત્વનાં પુગલોનું વેદન હોવાથી તેને પડતાં વાર લાગતી નથી, તેમ જ નિમિત્ત સારું મળી આવે તો તે આગળ પણ વધી શકે છે અને આત્મદષ્ટિ પ્રાપ્ત કરી શકે છે.