________________
૨૦ આત્મવિશુદ્ધિ ચિંતન મેં કર્યું નથી. અહો! દુર્લભ કલ્પવૃક્ષો, નિધાનો, ચિંતામણી રત્નો અને કામધેનુ ઈત્યાદિ પદાર્થો અનેકવાર મેળવ્યાં પણ શુદ્ધ આત્માની સંપત્તિ કોઈ વખત મેળવી નહિ. આજ સુધીમાં અનંત પુગલ પરાવર્તન જેવા ગહન કાળનો અનુભવ મેં લીધો, પણ તેવા કોઈ પુગલ પરાવર્તનમાં એકાદ વખત પણ મારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ મને ન મળ્યો. દેવો અને વિદ્યાધરોના સ્વામીત્વનું પદ અનેક વાર મેં મેળવ્યું પણ કેવળ મારા પોતાના સ્વરૂપને હું પામી ન શક્યો.
અહો! ચાર ગતિની અંદર અનેકવાર મેં મારા શત્રુઓ ઉપર વિજય મેળવ્યો પણ મારા સદાના વિરોધી મોહશત્રુ ઉપર આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે વિજય મેળવવા પ્રયત્ન ન કર્યો.
અહો! અનેક શાસ્ત્રો ભણ્યાં અને સાંભળ્યાં પણ તેની અંદર મારા શુદ્ધ સ્વરૂપને જાગૃત કરે તેવું એક પણ શાસ્ત્ર હું ભણ્યો નહિ કે સાંભળ્યું પણ નહિ. મેં વૃદ્ધ પુરુષોની સેવા કરી, વિદ્વાનોની મોટી સભાઓમાં હું બેઠો ત્યાં પણ મારી ભ્રમણાને લીધે શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરવા પ્રયત્ન ન કર્યો. મનુષ્યજીવન, આર્યદેશ, ઉત્તમ કુળ અને પ્રથમ સંહનન ઇત્યાદિ અનેકવાર હું પામ્યો પણ આત્મસ્વરૂપની જાગૃતિ કોઈ વખત ન મળી. શૌચ, સંયમ, શીયળ અને દુષ્કર તપશ્ચર્યા ઈત્યાદિ મેં અનેકવાર કર્યા પણ