________________
૨૪
આત્મવિશુદ્ધિ
કોઈ વિગ્રહને લઈને ચિત્તના વિભ્રમવાળો માનશે, અસાધ્ય રોગ થયો છે એમ વૈદો કે સંબંધીઓ કહેશે, વ્યવહારથી કંટાળેલો કોઈ ગણશે, કોઈ દુ:ખમાં ઘેરાયેલો સમજશે, કોઈ મરણની નજીક જઈ પહોંચેલો માનશે. આ પ્રમાણે લોકો ગમે તેમ માને, પણ હું શુદ્ધ આત્મસ્વરૂપ છું' એ મારી જાગૃતિ અને સ્મૃતિમાં ભંગ પડવા દઈશ નહિ.
શુદ્ધ આત્મદૃષ્ટિ વિનાના અને ભયના ખરા ભેદને નહિ જાણનારા મનુષ્યોને મોહરાજાએ ઉન્મત્ત, ભ્રાંતિવાળા, આત્મનેત્ર વિનાના, દિગ્મૂઢ થયેલા, અજ્ઞાન નિદ્રામાં સુતેલા, આત્મચિંતા વિનાના, મોહ મૂર્છામાં પડેલા, દુનિયાના પ્રવાહમાં તણાતા, બાળક અવસ્થામાં રહેલા, ઘેલાની ગતિને પામેલા અને આકુળ વ્યાકુળ કરીને પોતાને આધિન કરી લીધા છે.
સ્ત્રીઓને જેમ પતિ પ્રિય હોય છે, નિર્બળોને રાજા, રાજાઓને જેમ પૃથ્વી, ગાયોને જેમ પોતાનો વાછડો, ચક્રવાતોને જેમ સૂર્ય, ચાતકોને જેમ વરસાદ, જળચરોને જેમ સરોવરાદિ, મનુષ્યોને જેમ અમરપણું, દેવોને જેમ સ્વર્ગલોક અને રોગાતુરને જેમ વૈદ્ય પ્રિય હોય છે તેમ શુદ્ધ આત્માનું નામ મારા હૃદયને પ્રિય છે.
મનુષ્યો જેમ પોતાને જે વિષય પ્રિય હોય તેમાં જોડાયેલા રહે છે તેમ હું નિરંતર શુદ્ધ પરબ્રહ્મના સ્વરૂપમાં જોડાયેલો રહીશ.