________________
૮ * આત્મવિશુદ્ધિ
યોગીઓ શુદ્ધ આનંદમંદિરમાં ગયા છે, જાય છે અને જશે તે સર્વ આ શુદ્ધ ચિદ્રૂપનું આરાધન કરીને જ તે સ્થિતિ પામ્યા છે. વિશ્વમાં એવો કોઈ પણ બળવાન દોષ નથી કે જે આ શુદ્ધ આત્માનું સ્મરણ કરનારમાં ટકી શકે અને એવો કોઈ પણ ગુણ નથી કે શુદ્ધાત્માનું સ્મરણ કરનારમાં તે પ્રગટ ન થાય અર્થાત્ શુદ્ધાત્માના સ્મરણથી સર્વ દોષો નાશ પામે છે અને સર્વ ગુણો પ્રગટ થાય છે, જે નિરંતર શુદ્ધાત્માનું સ્મરણ કરે છે તેણે પગથી ચાલીને બધી તીર્થ ભૂમિઓ સ્પર્શ કરી લીધી એમ સમજવું. અરે! આ શુદ્ધાત્માનું સ્મરણ કરનારને દેવો પણ નમન કરે છે અને તેની સેવા પણ કરે છે.
લોઢાથી લોઢાનું પાત્ર બને છે અને સોનાથી સોનાનું પાત્ર બને છે એમ શુદ્ધ આત્માના સ્મરણથી આત્મા પરમાત્મરૂપ થાય છે ત્યારે જડ માયાનું સ્મરણ કરવાથી આત્મા અજ્ઞાનરૂપે પરિણમે છે અને વારંવાર દેહ ધારણ કરે છે. શુદ્ધ આત્મામાં મગ્ન થયેલામાં બીજું પુસ્તકોનું જ્ઞાન ન હોવા છતાં તે જ્ઞાની છે, કેમ કે છેવટે આત્મજ્ઞાન જ આત્મ કલ્યાણ કરનાર છે.
હે આત્મ દેવ! હવે તમે જાગો, ઉઠો, અને આ સાત ધાતુમય મળમૂત્રના ભાજનરૂપ જે શરીર છે તેને શુદ્ધ આત્માનું સ્મરણ કરવાવડે જગતને પૂજનિક બનાવો.