________________
૧૬ આત્મવિશુદ્ધિ બરોબર છે. આ ભાન થયા પછી તેને ઉદ્દેશીને જ બધી પ્રવૃત્તિ કરતો હોવાથી તેની પ્રવૃત્તિ આત્મ પ્રેમના પ્રમાણમાં થોડા કે ઝાઝાં વખતમાં પોતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કર્યા વિના રહેશે નહિ.
“હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું.” “હું આત્મા છું' આ વાતનું સ્મરણ કરવું, આ ભાન ટકાવી રાખવું તે આત્મસૂર્યવાળી પૂર્વ દિશામાં પ્રયાણ કરવા બરાબર છે. આ સ્મરણ કરવામાં ક્લેશ થતો નથી, ધનનો વ્યય કરવો પડતો નથી, દેશાંતરમાં જવું પડતું નથી, કોઈની પ્રાર્થના કરવી પડતી નથી, બળનો ક્ષય થતો નથી, પરનો ભય નથી, પીડા ઉત્પન્ન થતી નથી, પાપની પ્રવૃત્તિ કરવી પડતી નથી; રોગનું કારણ નથી, જન્મ મરણનો હેતુ નથી, કોઈની સેવા કરવી પડતી નથી, અને ફળ ઘણું પ્રાપ્ત થાય છે છતાં ઓ વિદ્વાનો! ઓ શાણાઓ! આ તરફ તમારું લક્ષ કેમ ખેંચાતું નથી? અનાદિ કાળના આ માયાના પાશથી છુટા થાઓ. તમારી અજ્ઞાનમાં મીંચાએલી આંખોને ખોલો.
ભોગભૂમિ, સ્વર્ગનું સ્થાન, વિદ્યાધરની અવની અને નાગલોકની પૃથ્વી મેળવવામાં થોડું ઘણું પણ કષ્ટ રહેલું છે પણ શુદ્ધ ચિતૂપ આત્માની ભૂમિકાની પ્રાપ્તિ તો તેનાથી પણ વધારે સુગમ છે. નિશાન બરાબર રાખી યોગ્ય પ્રયત્ન કરવાથી સુખની પ્રાપ્તિ, જ્ઞાનનો ઉદય, કર્મનો ક્ષય, મીઠી શાંતિ અને ખરી નિર્ભયતા તમને અહીં જ પ્રાપ્ત થશે, માટે જ આત્મ પ્રાપ્તિ સુગમ છે.