________________
આત્મવિશુદ્ધિ ૧૩
અથવા દેહાદિનું પોષણ કરવામાં આયુષ્યના અમૂલ્ય દિવસો નકામા પસાર કરે છે, પણ શુદ્ધ આત્માના ચિંતનમાં કે તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારા કોઈ વિરલ જીવો જ હોય છે.
જે જે ક્રિયાઓ કરવામાં આવે તે તે ક્રિયાઓ શુદ્ધ આત્માની પ્રાપ્તિના કારણરૂપ છે કે નહિ? તેનો વિચાર કરી તેમાં મદદરૂપ કે સાધનરૂપ હોય તો તે ક્રિયા કરવી. તેની વિરોધી ક્રિયા હોય તો ન કરવી. આત્મા જ્ઞાતા અને દૃષ્ટારૂપ છે, તે આત્મા પોતાને જ જ્ઞેય અને દશ્યરૂપે બનાવી, તેમાં જ ચિત્તને ધારી રાખવાથી ઉત્તમ જ્ઞાન દર્શનનો લાભ ઘણી સહેલાઈથી મેળવે છે. આત્મ પ્રાપ્તિના ઉપાયરૂપ જે કાંઈ હોય તે સર્વ આત્માને પ્રિય હોવું જોઈએ. કેમ કે પોતે તેનો જ અર્થી છે, તેમાં પ્રીતિ ન હોય તો તે વસ્તુ મળી શકતી જ નથી.
જેમ આંધળા આગળ નાચવું અને વ્હેરા આગળ ગાવું નકામું છે, તેમ જેનું મન બહાર વિષયોમાં ભટકતું છે તેની આગળ શુદ્ધ આત્માની વાત કરવી નિરૂપયોગી છે. ભુખ્યા અને તરસ્યા આગળ ભોજન તથા પાણી ધરવાં તે જેમ સફળ છે તેમ આંતર્ દૃષ્ટિ કે આંતર્ વૃત્તિવાળાની આગળ શુદ્ધ આત્માની વાતો કરવી તે હિતકારી છે.
શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિના અનેક ઉપાયો છે પણ તેમાં ધ્યાન સમાન બીજો કોઈ ઉપાય ઉપયોગી થયો નથી અને થશે પણ નહિ.