________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૧૭ માટે મહાયત્ન કરતા હતા. નિમિત્તને પામીને મહામોહનો હુમલો થયો ત્યારે મહામોહ તેમને પોતાની રાજ્યભૂમિમાંથી બહાર કાઢી મૂકે છે. આ રીતે આ મહામોહ કર્મપરિણામ રાજાની આજ્ઞા પ્રમાણે કરે છે અને તેનાથી પોતાને ભિન્ન માનતો નથી. આથી જ કર્મપરિણામ રાજાનું સામ્રાજ્ય કેમ વૃદ્ધિ પામે તે અર્થે જ મહામોહ સદા યત્ન કરે છે અને જે જીવોનાં જે પ્રકારનાં કર્મો છે તે પ્રકારે મહામોહ તે જીવની વિડંબના કરીને કર્મની વૃદ્ધિ કરાવે છે.
વળી, મહામોહનાં રાજસચિત્ત અને તામસચિત્ત નામનાં બે નગરો છે તે બંને નગરો કર્મપરિણામ રાજાએ મહામોહન ભટભક્તિમાં=મોટા રાજા દ્વારા નાના રાજાને ખુશ થઈને અપાતું રાજ્ય જેનું સાલિયાણું નાના રાજાએ મોટા રાજાને આપવાનું હોય તે સ્વરૂપ ભટભક્તિમાં, આપ્યાં છે.
વળી, પ્રકર્ષ પ્રશ્ન કરે છે – આ બે રાજ્યો મહામોહને પૂર્વજો પાસેથી મળ્યાં છે કે બલાત્કારે કોઈકથી ગ્રહણ કર્યા છે ? તેથી એ પ્રાપ્ત થાય કે રાજસચિત્ત નગર અને તામસચિત્ત નગર ઉપર જે મહામોહનું આધિપત્ય છે તે તેની પાસે ક્યાંથી આવ્યું છે એ પ્રકારે બુદ્ધિનો પ્રકર્ષ ઊહ કરે છે ત્યારે વિચક્ષણની વિમર્શશક્તિ તેનો વિચાર કરીને કહે છે. આ બંને રાજ્ય તેઓને પરંપરાથી મળ્યા નથી પરંતુ બલાત્કારે ઝૂંટવીને બીજાની સંપત્તિ તેઓએ લઈ લીધેલી છે. કઈ રીતે ? એથી કહે છે – આ જીવ સકર્મવાળો છે. બાહ્ય અને અંતરંગજનવાળો છે અને તેવો સંસારી જીવ છે એમ વિમર્શ પૂર્વમાં બતાવેલ. તેથી એ ફલિત થાય કે આ ચિત્તરૂપી મહાટવી પોતાની સંપત્તિ છે અને મહામોહના બે પુત્રોએ વીર્યથી તેને બહાર કાઢીને પોતાની સંપત્તિ કરેલી છે. આથી જ સંસારી જીવ સ્વરૂપથી જ્ઞાન સ્વરૂપ છે અને તે જ્ઞાન મતિજ્ઞાન સ્વરૂપ છે જે ચિત્તરૂપી અટવી સ્વરૂપ છે અને તે ચિત્તરૂપી અટવીનો માલિક સંસારી જીવ છે. તોપણ તે જીવમાં વર્તતા રાગ-દ્વેષના પરિણામ તે જીવને ચિત્તરૂપી અટવીથી બહાર કાઢીને ત્યાં રાજસચિત્ત અને તામસચિત્ત નામનું નગર નિર્માણ કર્યું છે. તેથી જીવને પોતાની ચિત્તરૂપી અટવી ઉપર પોતાનું પ્રભુત્વ નથી પરંતુ રાગકેસરી અને દ્વેષગજેન્દ્રનું પ્રભુત્વ વર્તે છે. આ પ્રકારે વિચક્ષણની વિમર્શશક્તિથી તત્ત્વની પ્રાપ્તિ કર્યા પછી બુદ્ધિનો પ્રકર્ષ વિચારે છે કે ક્યારથી આ ચિત્તવૃત્તિ અટવીનું પ્રભુત્વ રાગકેસરી અને દ્વેષગજેન્દ્રએ પ્રાપ્ત કર્યું છે ? તેનો ઉત્તર વિમર્શ પણ આપી શકતો નથી; કેમ કે વિમર્શશક્તિની મર્યાદા પૂર્ણ થાય છે. ત્યાં પણ અનાદિ કાલથી આ બે નગરો સૂક્ષ્મ બુદ્ધિથી જોતાં મહામોહના સામ્રાજ્યમાં વર્તે છે તેમ જ દેખાય છે, પરંતુ ક્યારથી તે સામ્રાજ્ય મહામોહ લીધું છે તેનું મૂળ વિમર્શશક્તિ જોઈ શકતી નથી. તોપણ કંઈક બોધ કરવા અર્થે વિમર્શ પ્રકર્ષને કહે છે. આ કર્મપરિણામ રાજા દાન કરવામાં અને ઝૂંટવવામાં તત્પર છે અને આ મહામોહ તેના સૈન્યનો પાલક છે. કર્મપરિણામ રાજાએ તેને સૈન્ય વગેરે આપ્યું છે અને મહામોહ કર્મપરિણામ રાજાના કોષનો પરિવર્ધક છે. કર્મપરિણામ રાજાના આદેશને કરનારો આ મહામોહ છે છતાં રાજ્યનું કાર્ય પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે. તેથી લૌકિકી વાણીની યુક્તિને આશ્રયીને પંડિત પુરુષો વડે ઊર્ધ્વ આસન ઉપર બેઠેલો આ મહામોહ રાજા કહેવાય છે. વસ્તુતઃ કર્મપરિણામ રાજા જ છે અને આ મહામોહ કર્મપરિણામ રાજાના સૈન્યનો પાલક છે તેથી આ બેનો પરસ્પર ભેદ છે. એક જ રાજા હોવા છતાં તે બંને તેને ભોગવનાર છે તેમ કહેવાય છે.