________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૧૫ પણ દેખાય છે, કેમ કે તેઓ પોતાની ઇચ્છાનુસાર બહુરૂપને કરનારા છે અને બીજાના નગરમાં પ્રવેશ કરનારા છે અને ક્યારેક અદૃશ્ય થઈ જાય છે તો ક્યારેક પોતાનાં ઇષ્ટ સ્થાનોમાં પ્રગટ થાય છે. તેથી અચિંત્ય માહાત્મવાળા આ રાજાઓ છે. માટે સર્વત્ર તેની પ્રાપ્તિ થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે મહામોહ આદિના ભાવો ક્યારેક બહાર પ્રગટ દેખાય નહીં, પરંતુ કોઈ મહાત્મા નિપુણ પ્રજ્ઞાથી અંતરંગ અવલોકન કરે તો ચિત્તવૃત્તિમાં તેઓ દેખાતા હોય છે અને ક્યારેક સંસારમાં તે તે નિમિત્તોને પામીને તે તે કષાયો કોલાહલ કરતા બહાર પ્રગટ થતા પણ દેખાય છે. અને તે સંતોષ પણ ક્યારેક ચિત્તવૃત્તિમાં દેખાય છે તો ક્યારેક પ્રગટ રીતે ભવચક્રમાં મહાત્માઓના તે તે પ્રકારના વર્તનમાં પણ સંતોષ દેખાય છે. તેથી ભવચક્ર અંતરંગ લોકો અને બહિરંગ લોકોના આધાર રૂપ હોવાથી ઉભય સ્વરૂપ છે અર્થાત્ બાહ્ય સંસારી જીવો પણ ભવચક્રમાં રહે છે અને મહામોહ આદિ પણ ભવચક્રમાં રહે છે.
પ્રકર્ષને તત્ત્વને જાણવાની જિજ્ઞાસા થાય છે તેથી પ્રકર્ષ પૂછે છે, જો ત્યાં સંતોષ છે તો મારે તે નગર જોવા માટે કુતૂહલ છે માટે મને તે નગર બતાવો. તોપણ વિચક્ષણ પુરુષ વિચારે છે કે મારે રસનેન્દ્રિયની શુદ્ધિ જાણવી છે અને તે શુદ્ધિના અર્થે જ તેણે પોતાની વિમર્શશક્તિને વ્યાપારવાળી કરેલી. તેથી તે વિમર્શશક્તિ પોતાના અંતરંગ ચિત્તમાં રહેલ કર્મના વિપાક દ્વારા અવલોકન કરવા પ્રવર્તે છે અને વિપાક પાસેથી તેને રસનાનું નામ પ્રાપ્ત થયેલું. તે રસના વિષયાભિલાસની પુત્રી છે તેમ જાણ્યા પછી તે વિષયાભિલાષ શું છે તે વિષયક વિચક્ષણ પુરુષ ઊહ કરે છે અને તે ઊહ કરવામાં જ ચિત્તવૃત્તિ અટવીમાં મહામોહનું સૈન્ય દેખાયું. તેથી તેના સ્વરૂપ વિષયક જિજ્ઞાસા થઈ. તેથી બુદ્ધિના પ્રકર્ષે તે જાણવા માટે પૃચ્છા કરીને વિચક્ષણની વિમર્શશક્તિએ તે સર્વનો અત્યાર સુધી નિર્ણય કર્યો. તેથી વિમર્શ કહે છે આપણું અહીં આવવાનું પ્રયોજન પૂર્ણ થાય છે માટે વિચક્ષણને રસનાની સર્વ માહિતી આપવા માટે આપણે જવું જોઈએ. તોપણ વિમર્શની બુદ્ધિમાં રહેલ જે તત્ત્વને જાણવાને અનુકૂળ પ્રકર્ષ છે તેને આટલા અવલોકનથી ભવચક્રનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા થાય છે. તેથી તે વિચક્ષણની બુદ્ધિનો પ્રકર્ષ રસના અને વિષયાભિલાષની માહિતીથી સંતોષ પામતો નથી. પરંતુ ભવચક્રના સ્વરૂપને જાણવા માટે પ્રકર્ષ આગ્રહ કરે છે અને કહે છે – આપણે એક વર્ષનું અવલોકન કરીને પાછા ફરવાનો સંકલ્પ કરેલ અને હજી શિશિર ઋતુ વર્તે છે તેથી ઘણો કાળ બાકી છે માટે પ્રાસંગિક શિશિર ઋતુમાં જીવોનું સ્વરૂપ કેવું હોય છે તેનું વર્ણન અહીં કરેલ છે અને માર્ગમાં જતા અર્થાત્ ભવચક્રને જોવા માટે માર્ગમાં જતા પ્રકર્ષ પ્રશ્ન કરે છે કે કર્મપરિણામ રાજા સંબંધી આજ્ઞાને મહામોહ કરે છે કે નહીં ? તે વિષયક વિમર્શ વિચારણા કરીને કહે છે –
વાસ્તવિક રીતે કર્મપરિણામ રાજા અને મહામોહનો ભેદ નથી. પરંતુ મહામોહનો જ્યેષ્ઠ સહોદર કર્મપરિણામ રાજા છે. તેથી એ પ્રાપ્ત થાય કે કર્મના અનેક ભેદો છે તેમાંથી જ્ઞાનાવરણકર્મનો ભેદરૂપ મહામોહ છે તેથી મહામોહ અને કર્મ વચ્ચે સર્વથા ભેદ નથી તોપણ કર્મપરિણામ રાજા આઠ કર્મોનો સમુદાયરૂપ હોવાથી જ્યેષ્ઠ છે અને તેના એક ભેદરૂપ મહામોહ હોવાથી નાનો ભાઈ છે. વળી કર્મપરિણામ રાજા ચોરટો નથી પરંતુ મહામોહ રાજા ચોરટા જેવો છે અને તેની આજુબાજુ જ જે સર્વ રાજાઓ છે તે પણ ચોરટા એવા તે મહામોહના જ સેનાપતિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે આત્માની સંપત્તિને લૂંટનાર અન્ય