________________
૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
प्रकर्षः प्राह मे माम! विनष्टः संशयोऽधुना ।
अथवा त्वयि पार्श्वस्थे, कुतः सन्देहसम्भवः? ।।५४।। શ્લોકાર્ધ :
પ્રકર્ષ કહે છે. હે મામા ! હવે મારો સંશય ગયો. અથવા તમે પાસે હોતે છતે ક્યાંથી સંદેહનો સંભવ હોય? I૫૪ ભાવાર્થ| વિમર્શ કહે છે કે અંતરંગ શત્રુઓના દર્પને નાશ કરનારા પુરુષો જગતમાં નથી એમ નહીં પરંતુ બહુ વિરલ હોય છે તેથી સર્વત્ર દેખાતા નથી. તેથી બુદ્ધિનો પ્રકર્ષ વિમર્શને પ્રશ્ન કરે છે, તેથી વિમર્શ કહે છે – એવા મહાત્માઓ પણ જગતમાં છે જેઓ આ મહામોહ આદિના દર્પને નાશ કરીને પોતાના સામ્રાજ્ય ઉપર પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે ?
મારા વડે હમણાં સંભળાયું છે કે ભવચક્ર નામનું નગર છે તે નગરમાં ઘણા લોકો વસે છે અને તે અતિ વિસ્તીર્ણ નગર છે. ત્યાં ઘણાં દેવકુલો છે અને તે બહિરંગ ભવચક્ર નગરમાં કેટલાક બહિરંગ લોકો છે કે જેઓ મહામોહનરેન્દ્ર વગેરે શત્રુવર્ગથી વિક્ષેપ કરાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે આ ભવચક્રરૂપ નગરમાં મહામોહ રાજા વગેરે જ્યારે ચિત્તવૃત્તિમાં વર્તે છે ત્યારે સાક્ષાત્ બાહ્ય વિક્ષેપ દેખાતો નથી પરંતુ કોઈક નિમિત્તને પામીને ભાવો બહાર પ્રગટ થાય છે ત્યારે સંસારી જીવો પરસ્પર ક્લેશ કરતા, રાગ કરતા, ઝઘડા કરતા, સ્પષ્ટ દેખાય છે ત્યારે તે મહામોહ આદિ ભાવો માત્ર ચિત્તવૃત્તિમાં રહેતા નથી. પરંતુ સાક્ષાત્ બહાર પ્રગટ થઈને કોલાહલ મચાવતા દેખાય છે.
પ્રકર્ષ કહે છે – હે મામા ! તે નગર અંતરંગ છે કે બાહ્ય છે અર્થાત્ તે ભવચક્ર નગર અંતરંગ હોય તો જીવોની અંદર તે મહામોહ આદિ કોલાહલ કરે છે તેમ કહેવાય અને બહિરંગ છે તો બહિરંગ લોકો બાહ્ય દેખાય છે તેમ ભવચક્ર નગર પણ બહાર દેખાવું જોઈએ. તેનો ઉત્તર આપતાં વિમર્શ કહે છે – ભવચક્ર નગર અંતરંગ છે કે બહિરંગ છે તેમ કહી શકાય નહીં પરંતુ આ ભવચક્ર નગરમાં જેમ બહિરંગ લોકો દેખાય છે તેમ અંતરંગ લોકો પણ વિદ્યમાન છે અને તે અંતરંગ લોકોનો પ્રતિપક્ષભૂત સંતોષ તે જ નગરમાં વિદ્યમાન છે. તેથી આ ભવચક્ર નગર અંતરંગ લોકોથી, બહિરંગ લોકોથી અને સંતોષથી અનુવિદ્ધ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ચાર ગતિઓના પરિભ્રમણરૂપ જે ભવચક્ર નગર છે તેમાં સર્વ સંસારી જીવો છે તેમાં મહામોહ આદિ વર્તે છે અને મહામોહ આદિના પ્રતિપક્ષભૂત સંતોષ પણ વર્તે છે. તેથી પ્રકર્ષ પ્રશ્ન કરે છે કે જે મહામોહ આદિ અંતરંગ ચિત્તરૂપી અટવીમાં વિદ્યમાન હોય તે આ ભવચક્ર નગરમાં કઈ રીતે રહે ? તેથી વિમર્શ કહે છે – મહામોહ આદિ સર્વ રાજાઓ અને અંતરંગ લોકો યોગી જેવા છે અર્થાત્ અનેક પ્રકારની કળાને જાણનારા છે. તેથી ક્યારેક ચિત્તરૂપી અટવીમાં દેખાય છે તો ક્યારેક ભવચક્રમાં