________________
નહિ એસો જનમ બાર-બાર
૧૦૧
પછી ભવ બગાડે.. અંતે ભવોભવ બગાડે. અનીતિની પાછળ સર્વ પાપો ખેંચાઈને આવી જાય છે.
નીતિની પાછળ સર્વ ગુણો તણાઈ આવે છે. પેલી વાત જાણો છો ને કે અનીતિની સોનામહોર મેળવીને યોગી પણ વેશ્યાને ત્યાં દોડીને ભ્રષ્ટ થયો; અને નીતિની કમાયેલી સોનામહોર પામીને માછીમાર, સજ્જન શાહુકાર બની ગયો. જાળ સળગાવી દીધી. નાની હાટડી લઈને વેપારી બન્યો. આ છે નીતિ-અનીતિના પરચા. તમે ન માનો તેથી શું?
અનીતિનું ધનઃ પૂંછડીએ અંગારા
કહેવાય છે કે હનુમાનજીએ પૂંછડીએ અંગારા ભરીને લંકા ઉપર કૂદાકૂદ કરી હતી. સર્વત્ર એ અંગારા પ્રસર્યા; ચોમેર આગ ફેલાઈ ગઈ.
અનીતિનું ધન પણ આવું જ છે ને? ધન કમાનારનું જીવન બરબાદ કરે; એની બુદ્ધિ બગાડી નાખીને દુર્ગતિમાં ધકેલે. એ ધન જેને જેને વારસામાં મળે એ બધાયના જીવન ધૂળધાણી થઈ જાય.
ઘરના દીકરાની બરબાદી! કોઈની આવેલી કન્યા (વહુ)ની બરબાદી! એના સંતાનોની બરબાદી!
આ બધા ય દુર્ગતિમાં જ્યાં જ્યાં જાય તે કુટુંબ, ગામ કે નગર પણ તારાજ થાય.
એકના પાપે કેટકેટલાના જીવન જલે! દિલ જલે! નગરો જલે! તો ય.. શી ખબર ધનવાનો કેમ જાગતા નથી? પૈસો કમાતા જ રહે છે; અનીતિ, જૂઠ, દગાબાજી પણ કમાતા જ રહે છે. પૈસો મૂકીને મરે છે; અને એ કમાયેલા પાપો સાથે જ લઈ જાય છે. - પ્રિય, પૈસો મૂકી જનારા, અને અપ્રિય પાપો (પાપકર્મો) ફરજિયાત સાથે લઈ જનારા ધનવાનોની બુદ્ધિને કેવી કહેવી એનો નિર્ણય તમારી ઉપર જ છોડી દઉં છું.
નાહકના કલેશ કંકાસના ઝેર વધારીને, ખાવા ધાય તેવા બાગબંગલામાં કાં રહેવું? એના કરતા તો ઝૂંપડામાં રહીને ભગવદ્ભક્તિની સુધા પીતા રહીને ઊભયલોક કાં ન સુધારી લેવા?