________________
નહિ ઐસો જનમ બાર-બાર
આ નક્કર સત્યનો સંસારી માણસોએ ખ્યાલ રાખ્યો હશે ખરો ? જેને આ વાતનો બરોબર ખ્યાલ આવી ગયો હોય એ કદી પાપ કરે ખરો ? પાપ કરવું પડે ત્યારેય એના રૂવાંડાઓમાંથી ભયની ધ્રુજારીઓ છૂટી ગયા વિના રહે ખરી?
૨૮૩
મોટા ચમરબંધીની; મહાત્માની અરે ! એ જ ભવે બનનારા તીર્થંક૨ ૫રમાત્માની પણ જે પાપોને શરમ પડી નથી એ શું મારા તમારા જેવાને છોડી દેશે ? રામ રામ કરો.
હાથી જેવી ભીરુ મનોદશા
એમ કહેવાય છે કે હાથી જ્યારે તળાવમાં પાણી પીવા જાય ત્યારે પાણીમાં પ્રતિબિંબિત થયેલા પોતાના જ મોંને જોઈને તે ગભરાઈ જાય છે. આ ભય ટાળવા માટે પોતાની સૂંઢથી પાણીને ડહોળતો રહે છે જેથી પ્રતિબિંબ પડે જ નહિ. હાથી પાણીને ડહોળતો પણ રહે છે અને મજેથી પાણી પીતો પણ રહે છે.
ઘણા માણસોની આવી ભીરુ દશા હોય છે. જ્યારે કોઈ સારા ધર્મગુરુ એના જીવનના ભૂતકાળમાં ડોકીયું કરાવે છે અને એમાં પડેલા પાપોના કાળા ડીબાંગ ડાઘાઓ દેખાડે છે ત્યારે એ ભાઈ અકળાઈ જાય છે. પોતાના બની ચૂકેલા એ વિકૃત સ્વરૂપના કડવા સત્યને તેઓ સ્વીકારી શકતા નથી. પોતાના પાપોનો એકરાર કરવા માટે તૈયાર થઈ જવા જેટલી તાકાત તેઓ કેળવી શકતા નથી.
આથી આવા માણસો ધર્મગુરુની પાસે ગલ્લાતલ્લા કરીને નાસભાગ કરે છે; એ રીતે છુટકારાનો મિથ્યા દમ ખેંચે છે.
રાણી રૂકિમના જીવનમાં આવું જ બન્યું હતું. ઉપકારી આચાર્ય ભગવંતે ભૂતકાળનું સ્મરણ કરાવ્યું પણ એને એ જીરવી ન શકી; ગલ્લાતલ્લા કર્યા. આચાર્યશ્રીએ ઉપેક્ષા કરી, એક જ પાપ એને અનંતસંસારની અગાધ ખીણમાં તાણી ગયું !
પાપ ગમે તેટલું ખરાબ હોય; એનું મોં (તમારું મોં) ગમે તેટલું ભયાનક દેખાતું હોય તો ય હવે અકળાશો નહિ. પાપ થયું તો ભલે થઈ ગયું હવે તો એનો એકરાર કરી જાણો. અંતરના આંસુ વહાવવા સાથે સાચું પ્રાયશ્ચિત્ત કરી જાણો.
ભીરુ ન બનો... બેશક પાપભીરુ બનજો; પરંતુ એકરારભીરુ કદાપિ ન બનજો.