________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૮૫
આદિ પણ મળે તો પુણ્યથી જ.
આજની દુનિયાના માણસોને પુણ્યોદય વધારે છે કે પાપોદય? જેઓ પૈસે ટકે પણ સુખી નથી તેમને તો આપણે વધુ પાપોદયથી પીડાતા જ કહીશું. પરંતુ જેમની પાસે લાખો રૂપિયા છે, બંગલા છે, મોટરો છે; કહેવાતી “સોસાયટી'માં જેમના માન-મોભા છે એવા માણસોને પુણ્યોદય વધુ કે પાપોદય? એ વાત આપણે વિચારવી છે.
શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે કે ભોગસુખની સામગ્રી પુણ્યથી પ્રાપ્ત થાય; પરંતુ એ સુખોને ભોગવવાની ઈચ્છા તો પાપોદયે જ થાય, મોહનીય કર્મના ઉદય વિના ભોગેચ્છા સંભવતી નથી.
આજના પુણ્યશાળીઓની પાસે ભોગની સામગ્રી કેટલી? અને ભોગો ભોગવવાની ઈચ્છા કેટલી? લખપતિને લાખ રૂપિયા પુણ્યોદયે મળ્યા; પરંતુ કરોડો મેળવવાની ઈચ્છાનો પાપોદય કેટલો જોરદાર?
પુણ્યોદયે એક સ્ત્રી પ્રાપ્ત થઈ, પરંતુ તે પછી પણ જેને અનેક સ્ત્રીઓના સુખની ઈચ્છા સતત સતાવ્યા કરે છે તેને પાપોદય કેટલો જોરદાર?
મળી મળીને શું મળવાનું? જાગી જાગીને પુણ્યોદય કેટલો જાગવાનો?
અને ન મળ્યાની દુનિયા કેવડી? એની ઈચ્છાઓ કેટલી? હાય! તો પાપોદય કેટલો? હવે કહો જોઉં, આજના કોઈ પણ ઉત્કૃષ્ટ દેખાતા પુણ્યવંતાને, સામગ્રીપ્રાપ્તિનો પુણ્યોદય વધારે હશે કે અપ્રાપ્તની વાસનાનો ઘોર પાપોદય વધારે હશે?
પજવતા પાપને ઊગતું જ ડામો પાપો કોને નહિ પજવતા હોય?
પણ પાપની પજવણીનું દુ:ખ કેટલાને હશે? દાઢ દુઃખે છે; પેટમાં દુઃખે છે; આંખ દુઃખે છે... ત્યારે રાતે “ઓય મા!' એવી સીસકારા ચાલતા રહે છે; એ દુઃખનો ત્રાસ નિંદ પણ હરામ કરી દેતો હોય છે.
પણ આવું કાંઈક પાપ સંબંધમાં ક્યારેય બન્યું છે ખરું? કોઈ પાપ થઈ ગયું હોય ત્યારે તેનું દુઃખ એવું પ્રવળતું હોય કે નિંદ હરામ થઈ જાય! એ દુઃખના ત્રાસમાં બોલાઈ જાય કે, “અરરરર... આ મેં શું કર્યું? હાય! જીવન કલંકિત કર્યું? આબરૂદાર માણસ થઈને હું નિર્લજ્જ બન્યો! મને ભગવાનની પણ શરમ ન નડી!