Book Title: Nahi Aiso Janam Bar Bar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 293
________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૯૩ પાપનો ભાવ જીવતો રાખશો મા એવો દઢ સંકલ્પ કરો કે, “મારે મરતા પહેલા મારા પાપના ભાવોને મારી નાખવા જ છે.” જો મરણ થઈ જાય અને પાપના ભાવો જીવતા રહી જાય તો ઉપાધિનો આરોવારો ન રહે. પાપના ભાવો પ્રત્યે જેની લાગણી કૂણી છે તે વ્યક્તિ ધર્મક્રિયાઓ ઘણી કરી ઘણું પુણ્ય બાંધે તો ય એના સંસારનો અંત તો ન આવે પરંતુ એ જ પુણ્ય પેલા પાપના ભાવને વધારી મૂકતા દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની પ્રગતિ કરી આપે એથી પાપના ભાવને વધુ પુષ્ટ બનવાની તક મળી જાય. ચંડકૌશિક સર્પના જીવનમાં આ સિદ્ધાંત સ્પષ્ટ રીતે પ્રસરી ગયેલો જોવા મળે છે. મુનિના ભવમાં ક્રોધનો પાપ ભાવ જીવતો રહી ગયો અને પોતાનું મરણ થઈ ગયું એના પરિણામે તાપસના જીવનમાં પૂર્વના પુણ્યથી જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ મળ્યા તેણે ક્રોધના ભાવની આગને ભભુકાવવાનું જ કામ કર્યું. વળી પાછું મરણ થયું અને ક્રોધનો વધુ તગડો બનેલો ભાવ જીવતો જ રહી ગયો તો દૃષ્ટિવિષ સર્પના ભવમાં ખૂબ વિસ્તાર પામેલા તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ મળ્યા કે જેની મદદથી સહજ રીતે ક્રોધનો પાપભાવ અતિશય પુષ્ટ બનતો જ રહ્યો. એ તો સારું થયું કે કોઈ જનમના સારા પુણ્ય પરમાત્મા મહાવીરદેવને એ વનમાં મોકલી આપ્યા અને ભયંકર રીતે વકરતા જતાં એ પાપભાવને મૂળમાંથી ખતમ કરી દેવાયો. નહિ તો નારકની અઘોર પરંપરા સિવાય એના ભાવિમાં બીજું શું હોત? પાપેચ્છાને જ ખતમ કરે શ્રીનવકાર શ્રીનવકારને મંત્રાધિરાજ-સર્વમંત્ર શિરોમણિ - કેમ કહ્યો? એનું એક કારણ એ પણ લાગે છે કે તેના સાતમા પદમાં કહ્યું છે કે આ નમસ્કાર સર્વપાપોનો - સર્વ પાપેચ્છાઓનો જ મૂળમાંથી નાશ કરી નાખે છે. અહીં પાપ અને પાપેચ્છાને જુદા કહેવા છે. પાપ એટલે પાપ-કર્મ અને પાપેચ્છા એટલે પાપ કરવાનો અભિલાષ.

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300