________________
૨૯૮
નહિ એસો જનમ બાર-બાર
આ છે છેલ્લામાં છેલ્લી શરત. આધ્યાત્મિક વિકાસની મંઝિલે આ છે પહેલામાં પહેલું ડગ.
ભગવંત બનવા સંત બનો; સંત બનવા સજ્જન, (દેશવિરતિધ૨); સુજન (સમ્યદૃષ્ટિ) બનો. સુજન બનવા માટે સારા (માર્ગાનુસારી) બનો. સારા બનવા માટે પાપમાંથી “મજા'ની બાદબાકી કરો. બસ. આથી નીચે હવે ઊતરી શકાય તેમ નથી. છેલ્લામાં છેલ્લો આ ભાવ છે. પરવડે તો માલ સ્વીકારો... મજેથી પાપકરણત્યાગ. પછી તો આપમેળે ઉપર ઉપરની સાધનાઓ શરૂ થતી જશે. તમારે ઝાઝી ચિંતા કરવી પડશે નહિ.
મુનિજીવનમાં સૌથી કઠિન શું?
સંસારીજનને પોતાના સંસાર સંબંધી જે જે દુઃખો છે; સ્ત્રી, પુત્ર, ધન, કુટુંબ, વેપાર વગેરે અંગેના.. એમાંનું એક પણ દુઃખ મુનિજીવનમાં નથી; કેમકે દુઃખના મૂળસ્વરૂપ એ સામગ્રીઓ જ એના જીવનમાં નથી. - હવે પ્રશ્ન થાય છે કે મુનિજીવનમાં દુઃખ શું? વિહાર, લોચ, બ્રહ્મચર્ય વગેરેમાં કોઈને દુખ જણાતું હોય તો તે પણ બરોબર નથી; કેમકે લાંબા ગાળાના એક સરખા અભ્યાસથી આ બાબતો જીવનમાં સ્વભાવની જેમ વણાઈ જતી હોય છે. પરંતુ અભ્યાસ દ્વારા પણ ઘણી મહેનતે ય નિષ્ફળ જાય તેવી એક સાધના છે જેનું દુઃખ જો મુનિને સ્પર્શી જાય તો સમગ્ર જીવન ધૂળભેગું થઈ જાય.
આ સાધના છે; સતત પલટાતા જતા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવોના પલટા સાથે પલટાતા રહીને જીવનનો સુમેળ સાધવાની.
આજ પવનવાળી જગા મળે; અને કાલે ડાંસ મચ્છરના ચટકાં દેતો ખૂણો મળે? આજે ઠંડું પાણી; કાલે ધગમગતું પાણી; આજે ચોખ્ખા ઘીની રોટલી; કાલે ડાલડાની રોટલી..
પ્રતિકૂળભાવ તરફ એક જ પળનો તિરસ્કાર! અને તરત જ મસ્ત સાધના, ઓક્સીજન ઉપર!
અનંતા ઓઘા-મુહપત્તિના વિધાનની સાર્થકતા હવે બરોબર સમજાઈ જશે.