________________
૨૯૪
નહિ એસો જનમ બાર-બાર
અન્ય મંત્રોના જપથી પાપકર્મોના નાશ થઈ જાય પણ જો તે મંત્રો પાપ કરવાની ઈચ્છાને જ તેજાબ લગાડે નહિ તો વળી નવા પાપકર્મોનો બંધ થયા જ કરે.
પરંતુ શ્રીનવકાર અને તેને સાક્ષાત્ કે પરંપરાએ સ્પર્શતા સર્વમંત્રોમાં તો પાપ કરવાની ઈચ્છા ઉપર જ તેજાબ લગાડી દેવાની તાકાત પડી છે. પાપકર્મોને ય તે ખતમ કરે; અને પાપેચ્છાને પણ સળગાવી દે.
પાપ કરવાની ઈચ્છા જ ન જાગવી એ જ સૌથી મોટી સિદ્ધિ છે. કેમકે પછી તો સહજ રીતે નિષ્પાપ જીવનની પ્રાપ્તિ થઈ જાય છે. આમ થતાં સહજ રીતે મોક્ષમાર્ગની આરાધનાઓ જીવનમાં વેગ પકડે છે.
ઈચ્છા એ જ દુઃખ. ઈચ્છા એ જ પાપ. પાપ કરવાની ઈચ્છા જ મહાપાપ. પાપકાર્યો જો ઊધઈઓ છે તો પાપેચ્છા એ ઊધઈઓની જન્મદાત્રી મહારાણી છે. એના વિનાશ વિના જન્મ, મરણના ફેરા મટે જ નહિ.
ઈચ્છાનો નાશક નવકાર છે માટે જ નવકાર સ્મારક જ ઈચ્છારહિત સિદ્ધભગવંતોના સુખની ઝાંખી કરી શકે છે.
લાંચાદિ પાપોનો નાશક પાપડર
સર્વત્ર પાપો વ્યાપ્યા છે. સ્વને, પરને, સર્વને જે દુઃખી કરે તે પાપ. સારામાં સારા કપડામાં સજ્જ માણસોના અંતર પણ કાજળથી ય કાળા બન્યા છે. બુદ્ધિજીવીઓએ બુદ્ધિની ઝીંક લગાવી છે એટલું જ. બાકી એ બુદ્ધિ તો બરબાદીના પંથે ક્યારની ધસી ગઈ છે!
આ આર્યદેશમાં લાંચ, રુશ્વત, અનીતિ, અનાચારનું અસ્તિત્વ જ ન હતું એમ તો કેમ કહી શકાય?
પરંતુ એ સમય ઘઉંમાં કાંકરાનો હતો; આજનો સમય કાંકરામાં ઘઉંનો આવ્યો છે.
જાણે કોઈ લાંચ, રુશ્વતખોરીથી મુક્ત સત્તાધારી નથી. ના..... સાહેબની ફાઈલો ગોઠવતો પટ્ટાવાળો પણ નહિ.
વેપારી અને નીતિમાન! લગભગ અસંભવ – કુમારિકા અને શીલવતી! લગભગ અસંભવ. શ્રીમંત અને સદાચારી! લગભગ અસંભવ.