________________
૨૦૦
નહિ ઐસો જનમ બાર-બાર
મોક્ષમાં જ જવું છે; કેમકે અહીં માર્યા વિના પળભર જિવાતું નથી.
આ સંસારભાવની એક પળ એવી જતી નથી જેમાં દેખીતી હિંસા પણ ન હોય. સંસારનું જીવન એટલે ધગધગતા લોઢાના ગોળાનું જીવન. એ ગોળો જ્યાં ગબડે ત્યાં બધું ય દઝાડે.
જેના હૈયે સર્વજીવો પ્રત્યે આત્મૌપમ્યભાવ જાગે છે એ આત્મા પોતાના જીવન ખાતર બીજા જીવોના જીવનોના કચ્ચરઘાણને જરા ય ખમી શકતો નથી.
હાલતાં, ચાલતાં, બોલતાં, ખાતાં, પીતાં... અસંખ્ય વાયુકાયાદિ જીવોની કાતીલ હત્યા એની નજરમાં સતત રમતી રહે છે. આવા પ્રકારનું સંસારી જીવન જીવવામાં એ ભારે રંજ અનુભવતો રહે છે. આથી જ કોઈને પણ માર્યા વિના સદા જીવવાના સ્થાનરૂપ મોક્ષની અભિલાષા એના અંતરમાં અત્યંત ઉત્કટ બનતી રહે છે.
જે મારે તે મરે, જે કદી કોઈને ન મારે એને પોતાને પણ પછીથી કદી મરવાનું ન જ હોય.
કોઈને કદી મારવા ન પડે એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જે સાધના કરવી પડે. તે સાધનામાં દેખીતી કેટલીક હિંસા એવી આવી પડે છે જે કરવાની બિલકુલ ઈચ્છા ન છતાં કરવી પડે છે.
સર્વને અભય આપી દેવાની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જ તલપતા આત્માની સાધનામાં કોઈ અપરિહાર્ય હિંસા થઈ જાય તો તેથી તે આત્માને હિંસક કેમ કહી શકાય ? માલના ઓર્ડરો લેવાની ઈચ્છાથી દુકાને દુકાને ફરતા સેલ્સમેનને ચા પીવાની મળે એટલા માત્રથી “ તે ચા પીવા દુકાને દુકાને ફરે છે'' એમ કેમ કહેવાય?
શુદ્ધિનો પૂર્ણક્રમ દર્શાવતું જિનદર્શન
મોક્ષ = પૂર્ણ આત્મશુદ્ધિ = પૂર્ણ કર્મમુક્તિ. આ આપણું લક્ષ્ય.
આટલું ભારેખમ લક્ષ્ય દર્શાવીને શાસ્ત્રકાર પરમર્ષિ અટકી ગયા નથી. એ મોક્ષનું લક્ષ્ય સિદ્ધ કરવાનું કાર્ય અતિશય મુશ્કેલ છે એ વાત એ તો સારી રીતે જાણતા હતા. માટે તેનો ઉપાય બતાડયો-દુઃખરૂપ, દુઃખલક અને દુઃખાનુબંધી સંસારનો ત્યાગ કરો.