________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૬૧
છેદગ્રંથોમાં કહ્યું છે કે સૌ પ્રથમ તો સાધુએ રોગને દૂર કરતી ઔષધિના પ્રયોગ ૧૮ માસ સુધી તો કરવા જ જોઈએ. એ પછી પણ જો આરોગ્યની પ્રાપ્તિ ન થાય અને એ રોગના કારણે અનેક વિરાધનાઓ જીવનકાળમાં થતી હોય તો સમાધિમરણ પામવાનો પ્રયત્ન બેશક વાજબી છે.
આવું વિધાન કરવાની પાછળ એ ઉદ્દેશ છે કે સર્વવિરતિધર્મ સ્વરૂપ સાધુજીવન અતિશય દુર્લભ છે. એ તો જેટલું લંબાય તેટલું વધુ સારું. જો વહેલું સમાધિમરણ પામવામાં આવે તો અવશ્ય દેવગતિ મળે. અવિરતિનો જ ઉદય થાયઃ વિરતિધર્મ હાથમાંથી ચાલ્યો જાય.
શા માટે આવી સ્થિતિનું સર્જન થવા દેવું? એના કરતાં તો અહીં સાધુજીવનમાં જ કેમ ન રહેવું? આ જીવનને લંબાવવા માટે ઔષધોપચાર શા માટે ન કરવા?
રોગિષ્ઠ બનીને ય સર્વવિરતિ ધર્મમાં મસ્ત રહેવું એ સારું છે. પણ કંચન જેવી નિરોગી કાયા પામીને ય દેવલોકના અવિરતિના જીવનમાં રહેવું ફજૂલ છે.
જેને આ વાત સમજાશે એ સાધુ કે સાધ્વી ગમે તેવો ખાનપાનનો વ્યવહાર નહિ રાખે; ખોટી રીતે માંદા પડીને રોગિષ્ઠ બનવાની તૈયારી નહિ રાખે.
શાસ્ત્રપદ્ધતિને આધીન રહીને પોતાનું જીવન સુદીર્ઘ આયુષ્યવાળું બનાવવાના જ કોડ સેવશે. સાધુને જીવનમરણ બે ય સમાન છે. પણ ક્યારે? મરણ જો અનિવાર્યપણે આવી પડયું હોય તો... નહિ તો વિરતિનું જીવન જ મજેનું બની રહે એ તદ્દન સહજ છે.
શૈશવેડગર્તાવિદ્યાનાં...
રઘુવંશાદિ કાવ્યના રચયિતા ખ્યાતનામ કવિ કાલિદાસે માનવના જીવનના ચારેય પાસાંને સાંકળી લઈને એક શ્લોકમાં આડકતરી રીતે બોધ દેતા કહ્યું છે કે,
બાળકાળમાં માણસે વિદ્યાર્જન કરી લેવું જોઈએ; (એને વિષયવાસના પજવતી હોય તો) યોવનમાં ગૃહસ્થજીવન જીવી લે; પણ પછી જ્યારે વૃદ્ધત્વ આવે ત્યારે તો એણે મુનિજીવન સ્વીકારી જ લેવું જોઈએ. અને એ જીવનમાં યોગસિદ્ધિ પ્રાપ્ત કરીને છેવટે આ દેહ ત્યાગી દેવો જોઈએ. - કવિ કાલિદાસને જે જ્ઞાન, અનુભવ વગેરે પ્રાપ્ત થયા તેના આધારે તેમણે આ વાતો કરી છે. આપણે એના ગુણદોષની ચર્ચામાં ઊતરવું નથી.