________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૭૩
નહિ બને. સંતનું સત્ ધરતીના કોક ખૂણે ખૂણે પણ, લપાઈને ય, પ્રકાશ ફેંકતું જ રહેશે. શોધી કાઢો ‘સંતને’ ઢળી પડો એનાં ચરણોમાં.
દેવી છે મારે; મંત્રદીક્ષા
ધર્મના કાર્યો તો તમે લોકો ખૂબ કરો છો. ઊઠતાંની સાથે જ પ્રભુનું નામ લો છો. ત્યાગીઓને નમસ્કાર કરો છો, દાન દો છો, શીલ પાળો છો અને ક્યારેક તપ પણ તપી લો છો.
પણ એ બધો ધર્મ સાચો કે જૂઠો ? એનો નિર્ણય કરવો પડશે ને? ખોટા ધર્મથી કદી દુ:ખો જાય નહિ અને સુખો મળે નહિ.
એ વાત જાણવાનું આ રહ્યું બેરોમિટર. કહો તમારા હૈયામાં સર્વ જીવો પ્રત્યે પ્રેમ ઊભરાતો જાય છે ખરો ? પવિત્રતાના તમે પ્રેમી બન્યા? ધર્મ ઉપર આવતા આક્રમણો વખતે તમે નીડર બન્યા? શાસ્ત્રની વફાદારી વધતી ચાલી?
જો ના. તો તમે સાચા ધર્મના સ્વામી નથી બન્યા. ખેર! હવે સદ્ધર્મના સ્વામી બનવું છે? એવા સ્વામી બનવાની તમને કારમી ભૂખ લાગી છે? જો તેવી આગભૂખ લાગી હોય તો તેનો મંત્ર બતાડું. તમને મંત્રદીક્ષા દઉં.
જગતના મહાન સંતોને એ મંત્રદીક્ષા મળી જ હતી. મને પણ મારા તરણ તારણહાર ગુરુદેવશ્રી તરફથી એ મંત્રદીક્ષા અંશતઃ પણ મળી છે.
લો કહી દઉં ત્યારે, એ મંત્ર છે સંતનો આશીર્વાદ. કદાચ એ મંત્ર વિના કંત બની શકાશે કરોડપતિની કન્યાના; પન્થ કાપી શકાશે ચન્દ્રલોકના; ગ્રંથ લખી શકાશે, વિશ્વદર્શનના; પણ પ્રેમ, પવિત્રતા, નીડરતા અને વફાદારી તો એ મંત્ર વિના ત્રિકાળમાં પામી શકાય તેમ નથી.
જાઓ... દોડો... કોઈ સંતનો આશીર્વાદ પામો. એ ખાતર, એ જે પાપનો ઉકરડો માગે તે તુરત જ તેના ચરણે મૂકી દો. પછી બધી સિદ્ધિ હાથવેંતમાં છે.
આપણું સર્વોત્કૃષ્ટ બળ; આશીર્વાદ
વડિલોના, વિદ્યાગુરુના, પૂજનીય ધર્મગુરુઓના આશીર્વાદ જ આપણા જીવનના તમામ સૌભાગ્યનું સર્વોત્કૃષ્ટ ઉદ્ભવકેન્દ્ર છે.