________________
નહિ એસો જનમ બાર-બાર
વર્તમાનકાળનો કેટલોક શિષ્યવર્ગ ગુરુના અભાવની ફરિયાદો કરીને જણાવતો હોય છે કે, “અમારા પ્રત્યે ગુરુની કૃપા જ ન હોય તો અમારો વિકાસ થાય જ શી રીતે?
ગુરુભક્તિવિહોણા આવા બંડખોર શિષ્યોએ એકલવ્યને નજરમાં લાવવા જોઈએ. જાતની નબળાઈઓને છાવરવાના; દોષોનો ટોપલો અન્ય ઉપર ઢોળી દેવાના પાપમાંથી ઊગરી જવું જોઈએ.
સારો ભાવ! સારો સ્વભાવ
દીક્ષા લેવાનો ભાવ કેટલો સારો? એનું તે કાંઈ વર્ણન થાય?
પણ અનુભવે એક વાત કહી દેવાનું મન થાય છે કે દીક્ષા લેવાનો ખરેખરો કોઈને ભાવ થઈ જાય એટલે તરત જ તેને દીક્ષા આપી દેવી જોઈએ નહિ.
એ ભાવની સાથે એનો સ્વભાવ પણ જોવો જોઈએ. જેમ ભાવ સારો હોવો જોઈએ તેમ સ્વભાવ પણ સારો જ હોવો જોઈએ.
જેને દીક્ષા લેવાનો સુંદર ભાવ જાગ્યો છે એનો સ્વભાવ સુંદર જ હોય એવો નિયમ નથી. સારામાં સારા ભાવવાળાને પણ મેં ક્રોધી, અદેખા, ખટપટી, ઉદ્ધત જોયા છે. બેશક એ તપસ્વી, જ્ઞાની, સ્વાધ્યાયી, ભક્ત વગેરે બની શકે પરંતુ એમના સ્વભાવદોષો જલદી નિવારી શકાય તેવા હોતા નથી. આવા આત્માઓ અહીં આવીને આખા ય વર્તુળની શાંતિને હણી નાંખવાનું કામ કરતા હોય છે.
તપનો ભાવ બેશક સારો છે; પણ એની સાથે ક્રોધી સ્વભાવ શા કામનો ? સેંકડો શ્લોકો કંઠસ્થ કરવાનો ક્ષાયોપથમિક ભાવ ખૂબ પ્રશંસનીય છે પણ એના સ્વભાવમાં જ ઉદ્ધતાઈ પડેલી હોય; ઉપકારી ગુરુ તરફ પણ તે માથું ઊંચકતો હોય તો તે સ્વભાવ શા કામનો ? હવે તો મને એમ કહી દેવાનું દિલ થાય છે કે દીક્ષાના ભાવમાં હજી થોડીક કચાશ હોય તો તે ચલાવી લઈને પણ દીક્ષા દેવી; પરંતુ સ્વભાવની ખરાબીને ચલાવી લેવાનું જોખમ તો કદી કરવું નહિ. “સ્વભાવો દુરતિક્રમઃ'