________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૬૯
જાય છે. કેમકે પહેલા પાપકરણથી બીજું પાપ કરવાની નવી શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. પછી ત્રીજીવાર પાપ કરવામાં તો કોઈ ભય રહેતો જ નથી; કેમકે બે વાર થયેલા પાપોએ એ આત્મામાં પાપ કરવાની પ્રચંડ શક્તિનું ઉત્પાદન કરી દીધું હોય છે.
પછી તો “સારો' પણ આત્મા નિષ્ફર, નિર્લજ્જ, નિર્મર્યાદ બની જાય છે. હવે તો પાપ કરવામાં એને પાપ જ લાગતું નથી.
જો એને માથે ગુરુ હોત તો? તો કદાચ પહેલી વારનું પણ પાપ કરતાં એને અટકાવી દીધો હોત! છેવટે બીજી કે ત્રીજી વારમાં તો ચોક્કસ અટકાવી દીધો હોત! જીવનના સારાપણાના ધબડકાની સંભાવના મટી ગઈ હોત! છે ને, જીવનમાં અનિવાર્ય જરૂર, ગુરુની?
કૃપા વિના સાધના કેવી?
જગતની કોઈ પણ ભૌતિક સમૃદ્ધિને પામવા માટે કદાચ પુરુષાર્થની પ્રધાનતા અને ભાગ્યની ગણતા રહેતી હશે, પુરુષાર્થ દ્વારા લક્ષાધિપતિ બની શકાશે, કે આઈ.સી.એસ.ની પરીક્ષામાં પાસ થઈ શકાશે કે સત્તાના ટોચના-સ્થાનો ઉપર આરૂઢ થઈ શકાશે. પરંતુ આંતર-સાધનાની બાબતમાં તદ્દન વિચિત્ર સત્ય સ્વીકારવાનું રહે છે. તપ-ત્યાગની સાધના માત્ર સ્વપુરુષાર્થે સફળ થતી નથી; નિર્ભીક વિદ્વત્તા પણ ધૂણીને ગોખવાથી કે ૧૮ કલાક ચિંતન કરવાથી હાંસલ થતી નથી; ઉચ્ચ પદો ઉપર આરોહણ પણ સ્વપુરુષાર્થે કાયમી બની રહેતું નથી.
એ માટે જરૂર છે દેવગુરુકૃપાની ! આ કૃપાને જે પામતો નથી એ સાધકોની દુનિયાનો “ગળીઓ બેલ' ગણાય.
મારી મચડીને સ્વપુરુષાર્થમાત્રથી પ્રાપ્ત થઈ જતી કહેવાતી વિદ્વત્તા વગેરે બધા ય ગુણો કૃપાવિહોણા આત્માને માટે અજીર્ણમાં પરિણમે છે. પ્રસિદ્ધિઓ પતનને નોતરે છે. ભક્તિઓ સેંકડો કમ્બખ્તી સર્જે છે.
રખે કોઈ કૃપા વિમુખ બનીને પુરુષાર્થના જોરે સાધના માર્ગે દોડવા લાગે! એ દોટ નિષ્ફળ જાય તો ય વાંધો નહિ પરંતુ હાડકાં ખોખરાં કરી નાખીને જ અટકે છે.
આવી કૃપા એમને એમ પ્રાપ્ત થતી નથી. કૃપા મેળવવા માટે તો હૈયાની ભક્તિ દેવી પડે.
ભક્તિ આપો અને કૃપા પામો!