________________
નહિ એસો જનમ બાર-બાર
૨૨૭
ભાવની જેમ નામાદિનિક્ષેપાની જગદુદ્ધારકતા
શાસનપતિ તીર્થકર ભગવંતોનો ભાવનિક્ષેપો જ જગદુદ્ધારક છે એમ કદી કહી ન શકાય. એ તારક પરમાત્માના નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપાઓમાં પણ એવી જ અકાટ્ય જગદુદ્ધારકતા રહેલી છે.
અપેક્ષાએ એમ જ કહેવું જોઈએ કે આ ચારેય નિક્ષેપ ભેગા મળીને જ પરમાત્માનું જગદુદ્ધારકત્વ સાર્થક કરે છે.
જગત્ માત્રની ઉદ્ધારકતા એકલા ભાવનિક્ષેપમાં શી રીતે કહેશો? પરમાત્મા મહાવીરદેવનો ભાવનિક્ષેપ તો કેવલ્યની પ્રાપ્તિથી નિર્વાણની પ્રાપ્તિ સુધીના ૩૦ વર્ષનો એક અપેક્ષાએ કહી શકાય. આ ત્રીસ વર્ષમાં પ્રભુએ તારી તારીને કેટલાને તાર્યા! લાખોને, કરોડોને.. પણ જગત તો કેટલું વિશાળ છે? અનંતાનંત જીવદ્રવ્યો. ત્રણ ભુવનો અને ત્રણે કાળને પોતાની ગોદમાં જગત્ નામનું તત્ત્વ સમાવી લે છે. અનંતા જીવોમાં જેટલાની મોક્ષગમન પાત્રતા હોય તેને તો તારક પ્રભુ તારશે જ ને? તો શી રીતે ત્રીસ વર્ષના ગાળામાં તારશે? એ જ ગાળામાં જેનો કાળ નહિ પાકયો હોય તેનું શું થશે? તે તો રહી જ જશે ને?
આથી જ જગદુદ્ધારકતાને ચરિતાર્થ કરવા માટે નામાદિ ત્રણ નિક્ષેપને પણ સ્વીકારવા પડશે. તારક પરમાત્માની ગેરહાજરીમાં પણ એ તારકનું નામસ્મરણ; એમની પ્રતિમાનું પૂજન અને એમની સિદ્ધાવસ્થા સ્વરૂપ દ્રવ્યનિક્ષેપાનું ધ્યાન તથા એમના કલ્યાણક દિવસો સ્વરૂપ કાલિક દ્રવ્યનિક્ષેપાની આરાધના-આ ત્રણેયનું જે આત્મદ્રવ્ય આલંબન લે તેને તારે પછી સમસ્ત વિશ્વ આલંબન લે તો સમસ્ત વિશ્વને તારે. આમ નામાદિ ચારે ય નિક્ષેપ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરી રહ્યા છે.
મનને વશ કરવાનો સરળ ઉપાય
લગભગ બધાયની આ ફરિયાદ છે, “મન કેમ વશ થતું નથી? ચિત્રવિચિત્ર વિચારો કેમ આવી જાય છે?”
દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવે આના સમાધાનરૂપે વ્યવહારનયની અત્યભુત સ્થાપના કરીને આપણી ઉપર અનહદ ઉપકાર વરસાવી દીધો છે.
પરમાત્મા કહે છે, “મનને બેકાબુ બનાવનારા જે જે નિમિત્તો હોય તેનાથી તમે વેગળા બની જાઓ.