________________
નહિ એસો જનમ બાર-બાર
દ્રવ્યાદિ ત્રણ ભાવ બગાડે;
ભાવ, ભવ બગાડે જેનો ભવ બગડયો તેના જેવી દયાપાત્ર સ્થિતિ કોની હોઈ શકે? ભાવ બગડે તો ભવ બગડે. અને ભવ બગડે એટલે ભાવ બગડે જ.
ક્રોધાદિના ભાવો ભવ બગાડે. બિલાડી વગેરેના ભવ આપે. એ ભવ સહજ રીતે જ દયાદિનો ભાવ બગાડી નાંખે. વળી ભાવ બગડે એટલે વળી ભવ બગડે; બસ આમ આ ‘સાઈકલ” ચાલ્યા જ કરે.
આથી જ શાસ્ત્રકાર પરમર્ષિઓ કહે છે કે બીજું ગમે તે ભલે બગડી જાય પણ તમારો ભાવ કદાપિ બગાડશો નહિ. સારા ભાવનું સદાય જતન કરજો.
વારુ, ભવને બગાડનાર ભાવ છે, એ વાત તો સમજાઈ; પરંતુ ભાવને બગાડનાર કોણ છે ? એ વાત જાણો છો ખરા? મુખ્યત્વે ભાવને બગાડે છે દ્રવ્ય, ક્ષેત્ર અને
કાળ.
સિનેમા, રેડીઓના ગીતો. સહશિક્ષણ, ખાનપાનની ચટકાદાર વસ્તુઓ, પ્રણયભરી નવલકથાઓ, ઉદ્ભટવેષ, પફ-પાવડરો અનીતિનું ધન વગેરે દ્રવ્યોથી સારો પણ ભાવ બગડે છે.
એકાંત, મેદાન, કલબો, જીમખાનાઓ, હોટલો, તળાવો, પરદેશો વગેરે ક્ષેત્રોથી પણ સારો ભાવ બગડે છે.
રાત્રિનો કાળ; ચાતુર્માસમાં વરસતા વરસાદનો કાળ વગેરે કાળથી પણ ભાવ બગડે છે.
જો તમારે ભાવનું જતન કરવું હોય તો ભાવને બગાડતા દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની ભીંસમાંથી આંચકો મારીને નીકળી જાઓ. પ્રચંડ સંકલ્પબળ વિના આ સાહસમાં સફળતા મળી શકે તેમ નથી. કાયર બનશો તો ભાવ બગડશે; બગડેલાં ભાવો તમારો ભવ બગાડશે. પછી તો એ ભવ ભવોભવ બગાડશે.
સ્વ માટે વ્યવહાર, પર માટે નિશ્ચય
આ જગતને જૈનશાસનના ઘણાં ઘણાં મોટાં પ્રદાનો છે. તેમાંનું એક પ્રદાન છે, નિશ્ચય-વ્યવહારનયના અજોડ તત્ત્વજ્ઞાનનું.