________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૩૫
વસ્તુ પડેલી છે. તેને જ ખસેડી નાખો એટલે સ્ફટિકની સફેદાઈ તો સ્ફટિકની બાપીકી વસ્તુ છે એ આપમેળે પ્રગટ જ છે.
સ્ફટિકને ધોળું કરવાનું ન હોય... માત્ર પેલી લાલાશ કાઢવાની હોય.
આત્મામાં અનંત ગુણો પડેલા છે. પરંતુ અનંત આવરણોએ તેને ઢાંક્યા છે. તમે આવરણો કાઢતા જાઓ, ગુણો પ્રગટ થતા જ જશે.
‘મારે સંત બનવું છે’ એમ ન બોલો. ‘ડાકુ મટી જવું છે' એમ જ કહો પછી તમે સંત જ છો.
વળી ગુણનો પ્રેમ કેળવવો મુશ્કેલ છે; કેમકે ગુણ તો જીવનમાં અનુભૂત વસ્તુ જ નથી. જ્યારે અવગુણ કેવો છે ? તે અવગુણથી તમે ક્યાં અજાણ છો ? અનુભવેલા અવગુણે જીવનનું કેવું સત્યાનાશ વાળ્યું છે એ વાત અનુભવે સમજાવવાનું જરા ય મુશ્કેલ નથી. એટલે અવગુણને કાઢવા જોગું બળ સહેલાઈથી ઊભું કરી શકાય તેમ છે.
મોક્ષના સુખને તો આપણે ક્યાં પ્રીછયું છે! પણ સંસારના સુખના લાખ લાખ ત્રાસ કોણે નથી અનુભવ્યા? એનાથી છુટકારો મેળવવો છે ને? બસ.. કરો શરૂઆત. પછી મોક્ષસુખ તો હાથમાં આવીને પડેલું જ સમજો.
આત્માનું સ્વરૂપ કેવું બેવડ વળી ગયું છે?
સત્, ચિત્ અને આનંદ એ આત્માનું સ્વરૂપ! બિચારું કેવું બેવડ વળી ગયું છે ! આત્માનું સત્ત્વ-અસ્તિત્વ કોઈ સ્વીકારતું જ નથી. એની હસ્તી જ મનથી મિટાવી દીધી છે.
જ્ઞાન તો જોવા જ ક્યાં મળે છે? મિથ્યા જ્ઞાનના બેય સ્વરૂપો જ ચારે બાજુ જોવા મળે છે. કેટલાક અજ્ઞાની છે તો જ્ઞાની કહેવડાવતા બીજા કેટલાંક વિપરીત જ્ઞાની હોઈને અજ્ઞાનીના મોટા ભાઈ સમા બન્યા છે. ભારતીય સંસ્કૃતિનો જેટલો વિનાશ અજ્ઞાનીઓએ અભણોએ નથી કર્યો એટલો વિપરીત જ્ઞાની-શિક્ષિતોએ કર્યો છે. છતાં કેવી નવાઈની વાત છે કે અભણો જ આ દુનિયામાં વગોવાયા છે!
અને આનંદ! રે! શોધ્યોય જડતો નથી. લખપતિ શું કે કરોડપતિ શું! અભણ શું કે પ્રોફેશ૨? શું ભિખારી કે શું સત્તાધારી? બધાયના મોં શેંગીઆ જ દેખાય છે! સહુના જીવન શોકમાં ગરકાવ થયેલા છે.