________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૭૭
હોડીમાં પાણી અને પાણીમાં હોડી
નાવડી પાણીમાં રહે તો તરે; પણ “નાવડીમાં પાણી” થઈ જાય તો ગમે તે પળે ડૂબે.
સંસારને સાગરની ઉપમા આપીએ; રાગદ્વેષના ભાવોને પાણીની ઉપમા આપીએ તો જીવનને હોડીની જ ઉપમા આપવી ઘટે.
સાગર તરી જવા માટે હોડી માટે એક જ શરત છે કે કોઈ પણ હિસાબે હોડીમાં પાણી પેસી જવું ન જોઈએ.
પાણીમાં હોડી રહે તેનો વાંધો નથી.
ધર્માત્મા તેને જ કહેવાય કે જેનું જીવન-નાવડું રાગદ્વેષના પાણીમાં હોવા છતાં એ નાવડામાં પાણી ભરાઈ જતું ન હોય.
એ ઘરમાં ય રહેતો હોય; એના ઘરમાં બાળબચ્ચાનો; સ્ત્રીનો; સંપત્તિનો, સઘળો ય સંસાર કદાચ હોઈ શકે પણ એના અંતરમાં એમાંના એકે ય પ્રત્યેની તીવ્ર મમતાના પાણી તો ન જ પેઠાં હોય.
વેશ્યાના ઘરમાં ઘણા પુરુષો હોઈ શકે પરંતુ તેણીના અંતરમાં એકેય પ્રત્યે તીવ્ર મમત્વ ન જ હોય.
સાચો ધર્માત્મા આવી વેશ્યા જેવો હોય. બહારથી પૂર્ણ = અંદરમાં શૂન્ય. આ છે શ્રાવકત્વનું સમીકરણ.
મહોપાધ્યાયજીએ શાસ્ત્રવાર્તામાં કહ્યું છે ને કે ધર્માત્માઓ સંસાર સાગરમાં રહે પણ; પણ રમે તો નહિ જ. રાગદ્વેષના એ ખતરનાક પાણી સાથે છબછબીયાં કરવાનાં ચેડા તો ન જ કરે.
“અલીનતા” પરમોધર્મઃ
જીવનના સુખદ ભાગ્યોનાં તકલાદીપણાને જે સારી રીતે પિછાણી લે છે એ આત્મા ભગવાન પાસે જઈને ભાગ્યવાન બનવાની ઈચ્છા વ્યક્ત કરતો નથી. એની તો એક જ યાચના હોય છે, “તારી કૃપાથી તું મને ભગવાન બનાવ.”
ભગવાન બનવું એટલે વીતરાગ બનવું. વીતરાગતા પ્રગટ કરવા માટે શું કરવું? ઉ. – સમતા સિદ્ધ કરવી.