________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૭૯
આપોઆપ નજદીક આવતી જશે.
પેલા ડોસા-ડોશીની વાત આવે છે ને? એક વાર બે ય જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. બે વચ્ચે સો વાર જેટલું અંતર હતું. આગળ માજી ચાલતા હતા. રસ્તામાં હીરાની ઢગલી પડી હતી. માજીએ તરત હીરાની ઢગલી ઉપર ધૂળ ફેરવી વાળી, અને તરત આગળ વધ્યા.
આ બીના ડોસાના ધ્યાન બહાર ન રહી. તે સ્થાને આવીને તેમણે ધૂળ દૂર કરી ચકમકતા હીરો જોયા, અને મોટેથી હસી પડયા. પત્નીને પાછી બોલાવીને પૂછયું, “તેં આમ કેમ કર્યું?” ઉત્તરમાં માજીએ જણાવ્યું કે, “હીરા જોઈને તમારી મતિ બગડી જાય તો? એ ભયથી મેં ઢાકી દીધા!' ડોશાએ કહ્યું, “ઓ મૂર્ખ! હજી હીરાને તું હીરાના સ્વરૂપમાં જુએ છે! ધૂળ પણ ધૂળ છે, હીરા પણ ધૂળ જ છે. ધૂળ ઉપર તે ધૂળ નખાતી હશે?'' પોતાથી આગળ વધી ગયેલા પતિને પત્નીએ શિર નમાવી દીધું ! આ છે સમતાની આછીપાતળી ઝલક!
કાયપાત કરતા ચિત્તપાત ભયાનક
કાયા સંસારના પાપો કરે એ તો ખરાબ છે પણ એથી વધુ ખરાબ તો ચિત્ત એ સંસારમાં પલોટાય તે છે.
સંસારમાં કાયાના પાત કરતા ચિત્તનો પાત ખૂબ જ જોખમી બની જાય છે.
આથી જ સમ્યગુદૃષ્ટિ આત્માઓ કાયપાતી હોય તો ય ચિત્તપાતી તો ન જ હોય એમ આચાર્ય ભગવાન્ હરિભદ્રસૂરિજી મહારાજએ ફરમાવ્યું છે.
“સંસારમાં રહેવું પડે તો પણ રમવું તો નહિ જ.” એવી મહોપાધ્યાયજીની વાણી પણ આ જ વાતને પુષ્ટ કરે છે.
આવી સ્થિતિ સિદ્ધ કરવાનો એક જ ઉપાય છે; ચિત્તને પરમાત્મા ચરણોમાં મૂકી દેવું... અર્થાત્ ચિત્તમાં પરમાત્માને પધરાવી દેવા.
જેના હૈયે પ્રભુ હશે એના હાથે પાપ થશે તો ય એ પાપો દૂબળા જ હશે; એમાં રસ તો નહિ જ પડે. આવા પાપોના બંધ ઝાઝું તોફાન કરી શકતા નથી.
સંસારમાં ફસાઈ પડેલા ધર્માત્માઓએ પોતાની આટલી સ્થિતિ તો ટકાવી જ રાખવી જોઈએ. સંસારે કાયા પણ રહે અને ચિત્ત પણ રમે. એ કાંઈ ધર્મજનનું લક્ષણ નથી. એવા માણસોને ધર્મી ન જ કહેવાય.