________________
નહિ એસો જનમ બાર-બાર
૧૯૫
સાંભળ્યા વિના સમજાય નહિ; સમજાયા વિના પમાય નહિ; પામ્યા વિના ભવફેરા કદી મટે નહિ.
અને જો સાંભળ્યા પછી પણ નહિ સમજાય; તો સમજાવી શકનાર બીજું કોઈ નથી. જ્યારે પણ તત્ત્વ સમજાવવાનું હશે ત્યારે સાંભળ સાંભળ કરતાં જ સમજાવવાનું છે. આથી જ ધર્મગુરુઓ તત્ત્વ સંભળાવ સંભળાવ કરે છે. જિનવાણીને જે દ્રવ્યથી પણ સાંભળે છે એની મોહનીય કર્મની ભયાનક સ્થિતિને ભયાનક કડાકો લાગીને માત્ર એક કોટાકોટિ સાગરોપમની જ સ્થિતિ બાકી રહી હોય છે. આવી ભૂમિકા વિના દ્રવ્યથી પણ ધર્મતત્ત્વ સાંભળી શકાય જ નહિ. વળી શ્રવણની એ પળોમાં એથી વધુ સ્થિતિનો બંધ કરાવી દે તેવા પાપ માનસિક રીતે પણ અશક્ય બની જાય છે. આથી જ શ્રવણ પણ બહુ મહત્ત્વનું આશાસ્પદ પગથિયું છે. જે પામ્યા પછી મોહનીયની સ્થિતિમાં વધુ મોટા કડાકા બોલાવીને સમજવાની અને પામવાની ધન્યસ્થિતિઓ પ્રાપ્ત કરી લેવાની મોટી શક્યતા ઊભી થઈ જાય છે.
જીવન જીવો જ છો કે જીવી જાણો છો?
એકવીસમી સદીના શિક્ષિત ગણાતા માનવોની પણ મનોદશા કેવી છે? પૈસો જોતાં અંગેઅંગે પાણી પાણી થઈ જાય! રૂપ જોતાં જ આંખોમાં વિકારે ઊભરાઈ જાય! હોટલની નજદિક આવતાં જ જીભમાંથી પાણી છૂટવા લાગી જાય!
તો માનવ થઈને એ શું કમાયો? શિક્ષિત બનીને એ શું પામ્યો? આવાં જીવન જીવતાં તો પશુને ય કયાં નથી આવડતુ?
પોતાની ઈચ્છા વિરુદ્ધ કાંઈ બને તો કૂતરાં પણ મારામારી કરે છે! પોતાના બચ્ચાંને ય બચકા ભરી લે છે! જાતભાઈઓ સાથે પણ લોહીયાળ જંગ ખેલી નાંખે છે! હક્કની અને હરામની મારામારીઓ અને ગાળાગાળીઓ કરતાં તો પશુઓને પણ આવડે છે!
તો આ માનવ શું કમાયો ? એનું જીવન પણ કોટુંબિક કલેશ, કજિયામાં જ પુરાઈને ગંધાઈ ઊઠયું ને?
પોતાના આશ્રિત-પત્ની, બાળકો-વગેરેને સખ્ત મારપીટ કરનારો માનવ શું ઠપકો દેવા લાયક નથી! તે પરિવાર શું કસાઈવાડે આવ્યો છે? જેને આ રીતે મારપીટથી સત્કારવામાં આવે છે? તો લગ્ન કેમ કર્યા? તો જન્મ કેમ આપ્યો?