________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૪૭
ધર્મો રક્ષતિ રક્ષિતઃ
ધાર્મિક ગણાતા લોકો ફરિયાદ કરે છે કે, “ધર્મ કરવા છતાં આફતની પળોમાં એ અમારી રક્ષા કરતો નથી. અમે પૂજા-પાઠ વગેરે કેટકેટલું કરીએ છીએ? છતાં અમારા માથે ય આફતોના વાદળ!'
વસ્તુતઃ આ કલ્પના જ ખોટી છે. સુખ અને દુઃખ કાંઈ વર્તમાનકાલીન ધર્મ, અધર્મથી આવી જતા નથી; પરંતુ ભૂતકાળના પુણ્ય, પાપથી આવે છે. ધર્મ કરવા છતાં પાપકર્મનો ઉદય થઈ જાય તો દુઃખ આવે જ; અધર્મ કરવા છતાં પૂર્વના કોઈ પુણ્યકર્મનો ઉદય જાગે તો સુખ મળે જ; આમાં નવાઈ પામવા જેવું કશું નથી. જો સુખ-દુ:ખને પુણ્ય-પાપકર્મોના ઉદયો સાથે સાંકળી લેવાને બદલે વર્તમાનકાલીન ધર્માધર્મ સાથે જોડવામાં આવશે તો ધર્મીને દુઃખ આવતા; અને અધર્મીને ઘરે સુખ જોતાં જ ધર્મ ઉપર અશ્રદ્ધા થઈ જશે.
બીજી વાત એ પણ છે કે આજના ધર્મ કરનારાઓમાં ક્રિયાસ્વરૂપ ધર્મ ભલે હોય પણ પાપક્ષયકારક ધર્મ કેટલો હશે? સાચો ધર્મ તો આ જ છે. જો આવો ધર્મ ન હોય તો આપત્કાળમાં તેમની રક્ષા કરવાને તે ધર્મ બંધાયેલો નથી.
તમારે ધર્મની રક્ષા કરવી નહિ અને ધર્મ તમારી રક્ષા કરે? એ શી રીતે બને? તમારાથી રક્ષાયેલો ધર્મ તમારી રક્ષા કરવા અવશ્ય બંધાયેલો છે.
ભીમા કુંડલીઆના પાંચ જ દ્રમ્પના દાનના વાસ્તવિક ધર્મ એની ક્રોધી પત્નીથી એની કેવી અદ્ભુત રક્ષા કરી?
જેને ધર્મના ક્ષેત્રો, વહીવટો, ધર્મપ્રભાવક પૂજ્યો, સાધર્મિકો વગેરેમાંના કોઈની કદી ચિંતા પણ કરવી નથી, એવા સ્વાર્થી આત્માની ક્રિયાસ્વરૂપ ધર્મ કદી રક્ષા ન કરે.
જેને હૈયે ધર્મગૌરવ નહિ,
ત્યાં અનુમોદના નહિ. ધર્મનું ગૌરવ જેના હૈયે વસ્યું નથી એવો માણસ ધર્મ ગમે તેટલો કરે પરંતુ તે ધર્મમાં તેજ તો નહિ જ જોવા મળે.
ધર્મ અને ધર્મનું ગૌરવ બે જુદી બાબતો છે. ધર્મના ગૌરવવાળા આત્માના ધર્મમાં નવી જ પ્રતિભા દેખાશે; એ ધર્મ ખૂબ ચમકારા મારતો જણાશે. ધર્મના મૂલ્યની સર્વાને સ્પર્શના ત્યાં જોવા મળી શકશે.