________________
૧૫૬
નહિ એસો જનમ બાર-બાર
જેના હૈયામાં જ સુખ-દુઃખના ચક્રો ઘુમરાયા કરતા હોય તે સુખનો રાગી જ હોય અને દુઃખનો દ્વેષી જ હોય. સુખદુ:ખના રાગદ્વેષથી ભભૂકતી જીવનની ભઠ્ઠીમાં રાગદ્વેષની મંદતા સ્વરૂપ ધર્મ સંભવે જ શી રીતે? માતા અને તે વંધ્યા! અસંભવ! રાગદ્વેષીમાં ધર્મ! અસંભવ. એટલે જ જેણે ધર્મ આરાધવો હોય તેણે પોતાના જીવનને અનિવાર્ય રીતે સ્પર્શતા સુખ-દુઃખના પ્રશ્નોને ઉકેલી નાખીને શાંત બની જ જવું જોઈએ.
ના. ધર્મ કરવા માટે સુખની સામગ્રીની ખાસ જરૂર નથી. તેમ દુઃખના અભાવની પણ ખાસ જરૂર નથી. આજે આ ભ્રમનો ચેપ ચોમેર વ્યાપ્યો છે. “સુખ મળે; સગવડ મળે તો ધર્મ કરું; દુઃખ જાય તો ધર્મ કરું” આવી માન્યતાવાળાઓને ધર્મ કરવાની તક ક્યારેય મળતી નથી. સુખાદિ તો કર્મોના ઉદય મુજબ આવશે અને જશે. એની પંચાતમાં કાં પડો? ધર્મ કરવો જ હોય તો સુખાદિ પ્રત્યેના રાગાદિને દૂર કરો. એ રાગાદિ ઉપરના રાગને દૂર કરો. સુખ ભલે આવે; તમે પાગલ ન બનો; અલીન બનો; દુઃખ ભલે આવે; તમે હાયવોય ન કરો. દીન બનો. આવી અલીનતા અને અદીનતા જો સિદ્ધ કરી લેવાય તો સુખદુઃખને લગતો કોઈ પણ પ્રશ્ન ઊભો નહિ રહે. પછી ધર્મ સ્પર્શાઈ જ જશે. આનું જ નામ સમ્યગદર્શન છે; જીવન જીવવાની આ જ સર્વોત્તમ ભૂમિકા છે.
ખરાબ થતાં અટકવાના ચાર માર્ગો
સારા બનવા માટે તો ખૂબ પ્રયત્નો કરવા પડે. ખરાબ તો જાણે કે આપમેળે જ બની જવાય છે.
અનાજની ફસલથી ખેતરને ભરી દેવું હોય તો ખેડુને કેવો જગી પુરુષાર્થ કરવો પડે છે? પણ ખડ તો જાણે આપમેળે જ ઊગી જાય છે ને? - ટૂંકમાં તો એટલું જ કહી શકાય કે સારા બનવાના પ્રયત્નનો અભાવ એ જ ખરાબ બની જવાનો સીધો ઉપાય છે; અને સારા બનવાનો પ્રયત્ન એ જ ખરાબ બનતા અટકવાનો સીધો ઉપાય છે.
હવે ખરાબ બનતા અટકવાના સૂક્ષ્મ ઉપાયોને જોઈએ.
સૌથી શ્રેષ્ઠ ઉપાય છે; મોક્ષાભિલાષ. જેને ભવનો ભય જાગ્યો; અને મોક્ષનો પ્રેમ જાગ્યો એ ખરાબ બની શકે નહિ.