________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૬૫
દુઃખ ઉપર પણ જો નફરત થઈ જાય તો એને દુઃખનું કારણ પાપ સમજાવીને પાપ ઉપર નફરત કરાવી શકાય. પછી પુણ્યનો અને છેવટે મોક્ષનો રસ ઉત્પન્ન કરાવી શકાય.
પણ અફસોસ! હેડંબા જેવી સ્ત્રીની મારપીટ પણ જે વાસના-લમ્પટને મંજૂર છે; ત્યાં આ બધી વાતોનું મંડાણ જ શી રીતે કરવું?
મહારાજા દશરથ; શાલિભદ્ર, અનાથીકુમાર, ધનાજી વગેરે દુઃખના નિમિત્તે કેવા નીકળી પડયા'તા પાપી સંસારમાંથી!
આવેશ : અધીરાઈ : અપેક્ષા
અંગ્રેજીમાં કહેવત છે કે, "hope for the better and live for the worst."
સારામાં સારા ભાવિની ઈચ્છા રાખો પણ ખરાબમાં ખરાબ વર્તમાન માટે સદા તૈયાર રહો.
ઠીક છે. વાત ઘણી સારી છે; પરંતુ માણસ એ વાત ભૂલી જતો હોય છે કે પોતાના ખરાબ વર્તમાનકાળનો સર્જક તો પોતે જ છે.
કર્મવશાત્ ઉપસ્થિત થયેલી અતિ ખરાબ સ્થિતિને પણ ભારે મસ્તીપૂર્વક સંભાળી લેવાનું કામ પણ માણસના જ હાથમાં છે. એ માટે એણે ત્રણ સૂત્રો ગોખી લઈને એને જીવનસાત્ કરી દેવા જોઈએ.
(૧) કદી આવેશ કરવો નહિ. (૨) અધીરા થવું નહિ. (૩) કોઈની અપેક્ષા રાખવી નહિ.
આવેશ તો ભલભલાની બાજી બગાડી નાખે છે. સાચા હો તો પણ મુદ્દાઓ આવેશથી માર્યા જાય છે. બીજાનું તો જે થવાનું હોય તે થાય પણ આવેશ કરનારનું ઘર તો એ જ પળે સળગી ઊઠે છે. પાછળથી પણ આવેશ કર્યાનો પશ્ચાત્તાપ થાય છે.
સંકલ્પ કરો કે, “કોઈ પણ સયોગમાં હું ગરમ તો નહિ જ થાઉં.'
અધીરાઈ એ બીજું મોટું પાપ છે. અધીરા માણસો ઘણી વાર ઉતાવળી બનીને ખોટા નિર્ણયો લઈને જીવનો જુગાર ખેલી નાંખતા હોય છે; ખોટા આર્તધ્યાનના ચક્કરોમાં ફસાઈ જતા હોય છે.
ત્રીજું પાપ છે : અપેક્ષાનું.