________________
૧૧૨
નહિ એસો જનમ બાર-બાર
ન હોય તો તેણે પોતાના સ્વરૂપ અંગે ફેરવિચાર કરવો જ રહ્યો.
વીતરાગી પરમાત્માને વિરાગી ગુરુને અને વિરાગ સ્વરૂપ ધર્મને શિર ઝુકાવનારને રાગ ખૂબ ગમે ખરો? ખૂબ રાગો કરીને એ રાજી પણ થાય ખરો? આ તો “માતા મારી વાંઝણી' જેવો ન્યાય છે. સંસારનું સુખ ભયાનક ન લાગે ત્યાં સુધી સમ્યકત્વની વાતના ય ફાંફાં સમજવા. સુદેવાદિની શ્રદ્ધાનો ફલિતાર્થ આ છે. કોઈ ભ્રમમાં રહી જશો મા !
જૈન કોણ? દુઃખ કરતાં
પાપથી ખૂબ ડરે તે ધર્મનું શ્રવણ કર્યા પછી જેનમાં જૈનત્વ તો ત્યારે જ આવ્યું કહેવાય જ્યારે દુઃખને બદલે એ પાપોથી ફફડતો થઈ જાય. આજ સુધી દુ:ખ કાઢવાના પ્રયત્ન હતા; એમાં તમામ પાપો મંજૂર હતા; દુઃખ ગયા પછી અને સુખના સાધન મળ્યા પછી પણ પાપો બેફામ ચાલુ રહ્યા હતા. પણ હવે ધર્મ સમજ્યા પછી પાપ પ્રત્યે તેને નફરત જાગે. દુઃખની ચિંતાએ ઊંઘ ન આવે તેવું ક્યારે ય ન બને પણ જીવનમાં કે કુટુંબમાં જો ક્યાંક પાપ પેઠાની કલ્પના પણ આવે તો આખી રાત એને ઊંઘ ન આવે એવું ઘણી વાર બને.
બંગલા, પૈસા, શ્રીમંત જમાઈ વગેરે તરફ હાથ લંબાવવા જતા અઢળક પાપોનું દર્શન થાય તો હાથમાં ધ્રુજારી છૂટી જાય અને પછી ઝૂંપડા, ગરીબી કે નિર્ધન જમાઈ તરફ પણ હાથ લંબાવતા જે સહર્ષ તૈયાર રહે એનું નામ જૈન.
ધર્મ સાંભળીને સમજો. સમજીને પામો.
તમે ધર્મ પામ્યા ત્યારે જ કહેવાશો જ્યારે પાપમય જીવનની ભેટ કરતાં બંગલાઓથી તમારી નજર ઊડી જશે અને ધર્મમય જીવનની દેન કરતાં ઝૂંપડા તરફ નજર સ્થિર થવા લાગે.
દુ:ખ એ રડવા જેવું તત્ત્વ જ નથી. એને કોઈ રડશો મા !
ટયુમરના દર્દીની મસ્તિષ્કની ભયાનક પીડાને વીરની જેમ સહી લેજો કિંતુ આંખની પાંપણના પણ વિકારના પાપને સહેશો નહિ. એને તો વહેલામાં વહેલા ફગાવી દેજો. સાગર પણ કદી મડદાં સંઘરતો નથી. માનવ પાપને કેમ સંગ્રહે?