________________
૧૩૬
નહિ એસો જનમ બાર-બાર
ધર્મનું તાત્કાલિક ફળ શું?
ધર્મથી મોક્ષ મળે; પરલોકમાં સુખ મળે, મરણ વખતે સમાધિ મળે; પણ આ જ જીવનમાં ધર્મથી શું મળે?
આ જીવનમાં ધર્મ કર્યો; પુણ્ય બાંધ્યું; અને આ જ જીવનમાં એ પુણ્ય ઉદયમાં આવી જાય; અને તરત જ આ જીવનમાં સુખ મળી જાય એવું સામાન્યતઃ તો ન જ બને.
આજે બી વાવ્યું; અને આજે જ કાંઈ ફળ મળી જાય? નહિ જ. આ વાત સમજવા પહેલાં ધર્મ કોને કહેવો? તે સમજી લઈએ.
રાગદ્વેષને અંતઃકરણથી ખરાબ માનવા એ પ્રથમ ધર્મ. આ માન્યતાપૂર્વક જેટલી ધર્મક્રિયાઓ થાય એ બધાય ધર્મ. જેની પાસે આવી માન્યતા નથી તેના જીવનમાં તે ગમે તેટલી ધર્મક્રિયા કરતો હોય તોય તે ધર્મક્રિયાને ધર્મ ન કહેવાય; ધર્મક્રિયા જ કહેવાય.
હવે જે આત્મા રાગાદિને પોતાના શત્રુ માને તેની માનસિક સ્થિતિ કેવી હોય તે જાણો છો? જો તેને પુણ્યના ઉદયથી ભોગસુખની સામગ્રી મળી જાય તો તેની પાછળ તે કદી આસક્ત નહિ થાય. કેમકે એવી આસક્તિને તો તે સારી માનતો જ નથી. આમ થવાથી એ સામગ્રીને વધારવાના પાપો એ કદી નહિ કરે.
જો પાપકર્મના ઉદયથી એની ઉપર કોઈ આફત આવી જાય તો એ કદી દીનહીન નહિ બને. કેમકે એ આફતો ઉપર એને દ્વેષ નથી.
આમ થવાથી આફતોના યોગમાં પાગલ બની જઈને પાપી બનવાની શક્યતા પણ એના જીવનને સ્પર્શી પણ નહિ શકે.
આમ બેય સ્થિતિમાં આવો આત્મા મસ્ત રહેવાનો. ખૂબ સ્વસ્થ રહેવાનો.... એકદમ શાંત રહેવાનો.
માટે એમ કહી શકાય કે ધર્મનું તાત્કાલિક ફળ મસ્તી, સ્વસ્થતા, શાંતિ છે. જેનામાં આ ગુણો પ્રગટયા નથી એ સાચો ધર્મ નથી એમ કહેવામાં કશુંય ખોટું નથી.